
બે દિવસે પણ પિતાની ભાળ ન મળી, દીકરી-દીકરાના અંતિમ સંસ્કાર પિતાનો પત્તો લાગ્યા બાદ જ થશે
સુરતઃ રવિવારે ઉવા ગામે કાર નહેરના ધસમસતા પાણીમાં ઉતરી જતાં મઢીના ભાઇ-બહેન કારમાંથી બહાર નિકળી શક્યા ન હતા. જેથી પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે કાર ચાલક પિતા નહેરના પાણીમાં ખેંચાઇ ગયા હતા. જેની શોધખોળ સતત બીજા દિવસે કરવા છતાં હજુ સુધી ભાળ મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, દીકરા-દીકરીના મૃતદેહ રવિવારે જ કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારના જણાવ્યા પ્રમાણે બંનેના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવ્યા છે અને પિતાની ભાળ મળ્યા બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.ઘટના શું હતી?બારડોલીના મઢી ગામે રહેતા શશીભાઇ ધનસુખભાઇ પરમાર પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. દીકરી ઉર્વી પરમાર(ઉ.વ.૧૭) બારડોલીની જેએમ પટેલ હાઇસ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જેની રવિવારે સવારે પ્રોજેક્ટ પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી સવારે પિતા શશીભાઇ મૂકવા તૈયાર થયા હતા. દીકરો યશ પરમાર(ઉ.વ.૧૪) મઢીમાં અંગ્રેજી મિડિયમમાં ધોરણ ૮માં અભ્યાસ કરતો હોય, રવિવારની રજા હોવાથી પોતે પણ બહેનને મૂકવા આવવા તૈયાર થઇ ગયો હતો. ઉર્વી પરમારને પરીક્ષા આપવાનો ઉત્સાહ અને યશ પરમારને બહેનને સ્કૂલમાં છોડવાનો આનંદ સાથે ઘરેથી કાર(ય્ત્ન-૧૯-મ્છ-૦૭૧૫)માં નીકળ્યા હતા. જોકે, ઉવા ગામે કાકરાપાર મુખ્ય કેનાલના રસ્તા પરથી પસાર થતાં જ પિતાએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર નહેરના ખાબકી હતી. જોકે, પ્રથમ કારનો આગળનો ભાગ ડૂબ્યો હોય, પાછળનો ભાગ દેખાતો હતો. ત્યારે અંદરથી શશીભાઇ બે હાથ ઊંચા કરી બાદમાં માથું બહાર કાઢીને પોતાને તરતા આવડતું ન હોવાનું જણાવી મદદ માટે બૂમ મારી હતી. જોકે, થોડી ક્ષણમાં નહેરના ધસમસતા પાણીમાં ખેંચાઇ ડૂબી ગઇ હતી. ઘટના અંગે બારડોલી પોલીસ અને ફાયરની ટીમને જાણ કરતાં સ્થળ પર પહોંચી ડૂબેલી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જેમાંથી માસૂમ ભાઇ-બહેનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પિતા ઊંડા પાણીમાં ખેંચાઇ જતા લાપત્તા થયા હતાં. જેની હજુ સુધી શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી.કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં શોધવા છતાં ભાળ મળી નથીલાપતા શશિભાઇ પરમારની બીજા દિવસે પણ બારડોલી ફાયર વિભાગની ટીમે કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં શોધવા છતાં ભાળ મળી નથી. બારડોલી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત વહીવટીતંત્ર પણ કામગીરી કરતા જોવા મળ્યા હતા. પાણીમાં લાપતા બનેલા શશિભાઇને ઉવાથી સેજવાડ થઇ, મહુવાના ઝેરવાવરા તેમજ પલસાણાના અંભેટી સુધી નહેરમાં શોધખોળ કરવા છતાં હજુ સુધી પત્તો મળ્યો નથી.સ્કૂલમાં એક દિવસની રજા જાહેર કરાઈજે.એમ. પટેલ હાઇસ્કૂલમાં ઇગ્લીશ મિડીયમની વિદ્યાર્થીની ઉર્વી પરમારનું મોત થવાથી શાળામાં વિદ્યાર્થીઓ શાંતિ પ્રાર્થના કરી શાળાના ઇંગ્લીશ મીડિયમ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીજા દિવસે પણ મઢીમાં શોકનું વાતાવરણ રહ્યું હતું. પિતાની ભાળ મળ્યા બાદ જ બંન્ને સંતાનની અંતિમ વિધી કરવામાં આવશે. બીજા દિવસે પણ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૃત ભાઇ બહેનને રાખવામાં આવ્યા હતાં