
બનાસકાંઠામાં પણ કોરોનાનો પગ પેસારો, 5 વર્ષીય બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ, રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ
રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. પાટણમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યા બાદ હવે બનાસકાંઠામાં કોરોના વાયરસે પોતાનો શિકાર શોધી લીધો છે. બનાસકાંઠામાં કોરોના વાયરસના 2 પોઝિટીવ કેસો નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષના બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તો પાલનપુરમાં એક 55 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતા વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. સરહદી વિસ્તારમાં કોરોના વાઇરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ બાળકને સિવિલ હૉસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે.જ્યારે કુલ 25 દર્દીના મોત નીપજ્યાં છે તો 44 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.