પ્રેસ-મીડિયાના કર્મચારીઓ સાથે અવિવેક ન કરવો : શિવાનંદ ઝા

ગુજરાત
ગુજરાત

લોકડાઉન દરમિયાન પણ પ્રેસ – મીડિયાની સેવાઓ ચાલુ જ રહેશેઃ રાજયના પોલીસવડાનો આદેશ : રિપોર્ટર – કેમેરામેન કે પ્રેસ – મીડિયાની ઓફીસમાં કામ કરતાં કર્મચારીઓને અટકાવવામાં ન આવે : વાહનો અને તેના ડ્રાઈવરોને પણ મુકિત આપવામાં આવે
 
રાજકોટ, તા. ૨૬ : હાલમાં કોરોના સંક્રમણના અનુસંધાને સમગ્ર રાજયમાં લોકડાઉનનું અમલીકરણ ચાલુ છે. આ અમલીકરણ દરમિયાન લોકડાઉનના જાહેરનામાથી પ્રેસ મીડીયાને આવશ્યક સેવા તરીકે ચાલુ રાખવામાં આવેલ છે. જેથી પ્રેસ તથા તમામ પ્રકારના મીડિયા સાથે સંકળાયેલા લોકોને લોકડાઉનમાંથી મુકિત આપવાની રહે છે. પરંતુ પોલીસ દ્વારા લોકડાઉનના અમલીકરણ દરમિયાન પ્રેસ- મીડિયાના લોકોને પણ અટકાવવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી આ સંદર્ભે આ મુજબની સુચનાઓ ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહેશે. રાજયના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ આ પરિપત્ર રાજયના તમામ પોલીસ કમિશ્નરશ્રીઓ, તમામ રેન્જના વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને મોકલી અપાયાનું જણાવાયુ છે. કોઈપણ પ્રેસ – મીડિયાના રીપોર્ટર, કેમેરામેન અથવા પ્રેસ મીડીયાની ઓફીસમાં કામ કરતા કર્મચારીઓને અટકાવવામાં ન આવે અને આવા લોકો ફરજ પર પોતાના વાહન સાથે જઈ શકે તે સુનિશ્ચિત કરવુ. પરંતુ આવા કોઈપણ વ્યકિત પાસે પ્રેસ મીડિયાનું કોઈ આઈ કાર્ડ અથવા યોગ્ય આધાર પુરાવા છે કે કેમ તે ચેક કરવુ. મીડિયા સાથે સંકળાયેલા ઘણા લોકોને ફરજ પર જવા – આવવા માટે સંબંધિત પ્રેસ/મીડિયાની કંપની તરફથી ભાડા પર લીધેલા વાહનો આપવામાં આવેલ છે. આવા વાહનો અથવા તેના ડ્રાઈવર પાસે જો આ સંદર્ભેના યોગ્ય આધાર પુરાવા હોય તો તેવા વાહનો અથવા તેના ડ્રાઈવરને પણ લોકડાઉનમાંથી મુકિત આપવાની રહેશે. લોકડાઉનના અમલીકરણ માટે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા મીડિય કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવામાં આવી રહેલ હોવાની અમુક ફરીયાદો પણ અત્રે મળેલ છે. જેથી ફરજ પરના પોલીસ કર્મચારીઓ લોકડાઉનને અમલી કરતી વખતે મક્કમતાથી પણ યોગ્ય વાણી – વર્તન સાથે ફરજ બજાવે તે સુનિશ્ચિત કરવુ. ખાસ કરીને અમદાવાદ – ગાંધીનગર વચ્ચે મીડિયાકર્મીઓ વધુ પ્રમાણમાં અવર-જવર કરતા હોય છે. જેથી અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તાઓ પર આવેલ ચેક – પોઈન્ટ ઉપર ઉપરોકત સુચનાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવુ. જાહેરમાર્ગ પરના ચેક પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીને આવી કોઈ વ્યકિતની ઓળખ બાબતે જો કોઈ શંકા હોય અથવા આવી કોઈ વ્યકિત પાસે પુરતા / યોગ્ય આધાર પુરાવા ન હોય તો તેવા સંજોગોમાં સંબંધિત પોલીસ કર્મચારીએ તે વ્યકિતની અવર – જવર અટકાવતા પહેલા પોતાના ઉપરી અધિકારીનું આ બાબતે ધ્યાન દોરવાનું રહેશે. જીલ્લા શહેરના વડાશ્રીઓએ ઉપર મુજબના સુચનો તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનં રહેશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.