
પાલનપુર સ્ટેટના બેતાલીસ જાગીરદારો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ઊભું થયું તે વેળા એ ગલબાભાઈ પટેલે સમાધાન કરાવ્યું હતું
ભારત દેશ આઝાદ થયા બાદ લોકસેવકો ગામડાઓને બેઠા કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં લાગી ગયા હતા. બનાસકાંઠામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો માત્ર એક જ ધ્યેય હતો કે ગમે તેમ કરીને ખેડૂતોને ઊંચા લાવવા અને તેઓના જીવનધોરણોમાં સુધારો થાય તે માટે સામાજિક જાગૃતિ લાવવા માટે સરાહનીય પ્રયત્નો કરવા… ગલબાભાઈ પટેલ પ્રેમાળ પ્રકૃતિ ધરાવતા હતા. તેના લીધે તેમને સતત લોકો દ્વારા આશીર્વાદ મળતા રહ્યા હતા. ગુજરાત રાજ્યના વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મહાન માણસો પણ ગલબાભાઈના પડખે હંમેશાં ઊભા રહ્યા હતા. જ્યારે સ્વ.ગલબાભાઈ પટેલે પૂજ્ય રવિશંકર મહારાજ અને સંતશ્રી બાલજી મહારાજની પાસે જઈને કહ્યું હતું કે, પછાત ગણાતા બનાસકાઠાં જિલ્લાને સદ્ધર કરવો હશે તો ખેડૂત મંડળની સ્થાપના કરવી જરૂરી છે.
વર્ષ ૧૯૫૧ની આ વાત છે. સ્વ.ગલબાભાઈ પટેલની ખેડૂતો માટે કામ કરવાની ખેવના, લાગણી અને સાચી લગન જોઈને ગુજરાત રાજ્યની બે મહાન વિભૂતિ પરમ પૂજ્ય રવિશંકર મહારાજે અને પૂજ્ય સંત બાલજી મહારાજે ખેડૂત મંડળની સ્થાપના કરવા માટે આશીર્વાદ આપ્યા હતા.
સ્વ. ગલબાભાઈનું એવું માનવું હતું કે ખેડૂતોને યોગ્ય દિશા તરફ લઈ જવા હશે તો તેમાં જાગૃતિ લાવવી પડશે, તેના અર્થે એક ખેડૂત-સંમેલનનું અયોજન કરવાનું નક્કી કર્યું હતું. પાલનપુર તાલુકામાં સેદરાસણા ગામ આવેલું છે. ત્યાં પૂજ્ય રવિશંકર મહારાજ અને સંતબાલજી મહારાજની હાજરીમાં એક ભવ્ય ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લાના ખૂણે-ખૂણેથી ભાગ લેવા માટે ખેડૂતો આવ્યા હતા. પાલનપુરના તાલુકાના સેદરાસણા ગામે સંમેલનનું આયોજન થયું હતું. જેમાં મહંત શ્રી ચંદ્રપુરીજી મહારાજ અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ સંમેલન નક્કર સ્વરૂપે લક્ષ સાથે પરિણામની દિશા તરફ આગળ વધ્યું હતું. પરિણામે જિલ્લામાં ખેડૂત મંડળની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રમુખપદે ગલબાભાઈ બન્યા હતા.
ગલબાભાઈને દરેક જ્ઞાતિના માણસો માટે અપાર પ્રેમ હતો. તેમના માટે તો કોઈ માણસ ઊંચ-નીચ ન હતો. ગલબાભાઈ પટેલ બધા માણસોને ઈશ્વરનું સ્વરૂપ માનતા હતા. આપણે ત્યાં વર્ષો પહેલા હરિજન માટે ખૂબ જ ઊંચ-નીચનો ભેદભાવ રાખવામાં આવતો હતો. પરંતુ ગલબાભાઈને મને તો બધા સરખા ….! એવી ભાવના રાખવામાં આવતા હતી. એવો જ એક પ્રસંગ આ પ્રમાણે છેઃ
ગલબાભાઈ પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, તે વેળાની આ વાત છે. ગલબાભાઈ સાથે ખેમદાસ કરીને એક હરિજન અભ્યાસ કરતો હતો. તેમના પિતાનું નામ લાલદાસ હતું. લાલદાસ હરિજન સમુદાયના જાણીતા મહંત હતા. હરિજનોનો લગભગ ૧૮૦ ગામનો એક અલગ સમુદાય છે. એક રિવાજ પ્રમાણે જ્યારે સંત દેવલોક પામે ત્યારે મહંતની ગાદીએ લોકો એકઠા મળે તેને ભંડારો કહેવાય. ગલબાભાઈ પટેલના મિત્ર ખેમદાસે પોતાના પિતાની પાછળ એકસો એંસી ગામોના હરિજનોને ભેગા કરીને મોટો ભંડારો કર્યો હતો, ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ એંસી ગામના હરિજનો ભેગા થયા હતા. ભંડારાના મુખ્ય વહીવટકર્તા ગલબાભાઈ પટેલ હતા. બહારથી આવેલા હરિજનો પણ અચંબામાં પડી ગયા હતા કે એક હરિજન સમાજના ભંડારાનો વહીવટ આપણા પટેલ કરે ! એટલું જ નહીં ગલબાભાઈ પટેલે જે ભંડારામાં સામાન આપવાની જવાબદારી પણ ઉઠાવી લીધી હતી. તે ભંડારાના કુશળતાપૂર્વક મુખ્ય કાર્યવાહક બની ગયા હતા. ગલબાભાઈ તો ભંડારામાં આવેલા હરિજનોને રસોઈ પીરસતા હતા. ભંડારામાં આવેલા લોકો ગલબાભાઈ પટેલની આટલી લાગણી જોઈને હરખાઈ ગયા હતા અને મિત્ર તરીકેનું કર્તવ્યનું પાલન કરીને પોતાના મિત્ર ખેમદાસને પણ મહંત તરીકે બેસાડવામાં આવ્યા હતા.
ગલબાભાઈએ કોઈ દિવસ પોતાના રાજકીય સ્વાર્થ માટે કોઈને ઝઘડાવ્યા નહોતા કે ફાયદો ઉઠાવવાની કોશિશ પણ કરી ન હતી. હંમેશાં માટે તેઓએ માણસ-માણસ વચ્ચે શાંતિની, ભાઈચારાની ઇચ્છા રાખી હતી. તેવા પણ અનેક પ્રસંગો જોવા મળે છે. કોઈનો ઝઘડો થયો હોય, કોઈ મતભેદ થયા હોય ત્યારે તેનો શાંતિસભર ઉકેલ, સમાધાન ગલબાભાઈ પટેલ કરાવતા હતા. આ પ્રસંગ કોઈ જેવો તેવો નથી પણ જાગીરદારો અને ખેડૂતો વચ્ચેના સમાધાનની વાત છે.
૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશી રજવાડાઓનું વિલિનીકરણ થયું. બનાસકાઠાંમાં નવાબનું શાસન હતું, પાલનપુર જેવા મોટા રજવાડાએ પણ ભારતમાં ભળી જવાની ઇચ્છા વ્યક્ત કરી અને બધી સત્તા સરકારને આપી દીધી.
દેશી રજવાડાઓ તો ભારતમાં ભળી જવાનું નક્કી કર્યું પરંતુ રજવાડાઓનાં નાના-નાના જાગીરદારોનું શું ? આ પ્રશ્ન તો અનેક લોકોને સતાવી રહ્યો હતો અને તે વેળાએ ભારત સરકારે પણ કોઈ પ્રકારનો નિર્ણય કર્યો નહોતો. એટલે પાલનપુર સ્ટેટના લગભગ બેતાલીસ જાગીરદારોએ પોતાના કરવેરા ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. પાલનપુરના નવાબની નવાબી હતી નહીં ! કરવેરા કોઈ જોડે લઈ શકે નહીં. આ બધું જોઈને ગામડાના ખેડૂતોએ નક્કી કર્યું કે જાગીરદારોને કરવેરા આપવા નહીં.
આભાર – નિહારીકા રવિયા જાગીરદારો અચાનક ઝનૂનમાં આવી ગયા અને ખેડૂતો અને જાગીરદારો વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું. નાના જાગીરદારોને કરવેરા વગર જીવન ગુજરાન ચલાવવું અશક્ય હતું. એવી પરિસ્થિતિ વચ્ચે ગલબાભાઈ મધ્યસ્થી માટે દોડી આવ્યા હતાં. જાગીરદારો અને ખેડૂતો વચ્ચે સમાધાન કરાવવા માટે પ્રયત્નો ચાલુ કર્યા. ગલબાભાઈ પટેલે જાગીરદારોની મુશ્કેલી સાંભળી અને સામાન્ય ખેડૂતનો વિચાર પણ કર્યો હતો .જેમાં ખેડૂતોને પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે અને જાગીરદારોને પણ બધું સચવાઈ રહે તેવો રસ્તો કાઢ્યો હતો. આખરે ગલબાભાઈએ જાગીરદારો માટે નવો રસ્તો કાઢ્યો.
તેઓના માટે ઉધેડુ કાઢ્યું એટલે કે વર્ષના અંતે આખું ગામ ભેગુ મળીને નક્કી કર્યા પ્રમાણે પૈસા જાગીરદારોને આપી દેવાના. જમીન સર્વે થયેલી ન હતી એટલે ઘર દીઠ વર્ષના અંતે અમૂક રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ગલબાભાઈએ તમામ સ્થિતિનું અવલોકન કરીને ઉઘરાણામાં પણ આર્થિકસ્થિતિ અને આવકની ધ્યાનમાં રાખીને એ મુજબ ગણીને રૂપિયા નક્કી કર્યા હતા. આ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે કે ગલબાભાઈ પટેલ રાજનીતિમાં પણ કુશળ હતા, તેઓમાં એક પ્રકારની કોઠાસૂઝ હતી. રાજનીતિમાં ઉંડાણભરી સૂઝ હતી કે કોઈ પણ ઘટનાના કેવા પ્રત્યાઘાતો પડી શકે છે તેની પણ સમજણ હતી. આમ એક મોટું ઘર્ષણ ગલબાભાઈની કુનેહથી નિવારણ લાવી શકાયું હતું. ગલબાભાઈએ નક્કી કરેલું ઉધેડું લગભગ પાંચેક વર્ષ જેવું ચાલ્યુ હતું. પછી સરકારે પણ જલ્દી નિર્ણય લીધો હતો અને સરકારે જાગીરદારોને વળતર આપવાનું નક્કી કર્યું હતું અને જાગીરદારો ને ખેડૂતો ઉઘરાણાં આપતા હતા તે બંધ કરવામાં આવ્યાં.
આમ, સ્વ.ગલબાભાઈ પટેલની રાજનીતિમાં કોઈ સ્વાર્થ કે છળ નહોતું પરંતુ ભારોભાર સત્ય હતું.