પાલનપુરથી સોમનાથ અને દ્વારકાની ટ્રેનની જરૂરીયાત
રખેવાળ ન્યુઝ ડીસા
ઉતર ગુજરાતની પાંચ જીલ્લાની જનતાની પાલનપુરથી સોમનાથ અને દ્વારકાની વાયા ભાભરથી ટ્રેન ચાલુ કરવા રેલવે મંત્રી, સંસદ સભ્ય તથા પાલનપુર અને ભાવનગર ડિવિઝન સમક્ષ થયેલી રજુઆત – માંગણી નહી સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની પાંચેય જીલ્લાની પ્રજામાંથી લોક લાગણી ઉઠવા પામી છે.
પાલનપુરથી સોમનાથ અને પાલનપુરથી દ્વારકા એમ બે ટ્રેનો પાલનપુરથી વાયા ભાભર , રાધનપુર, વારાહી, સાંતલપુર, આડેસર, સામખીયારી, મોરબી, રાજકોટ,ગોંડલ, વિરપુર શ્રી જલારામ બાપાના ધામ અને જુનાગઢથી સોમનાથ અને બીજી ટ્રેન આજ રૂટ ઉપરથી દ્વારકા જાય. આમ આ બંને ટ્રેન શરૂ કરવામા આવે તો રેલવે અને આમ જનતાને ખુબ જ મોટો ફાયદો થાય તેમ છે. આ બાબતે સંસદ સભ્યો કેન્દ્ર સરકારમાં ઉગ્ર રજૂઆત કરે તેવી લોક લાગણી ઉઠવા પામી છે.
પાલનપુરથી સોમનાથની ટ્રેન પાલનપુરથી વહેલી સવારે સાડા પાંચ વાગે ઊપડીને વાયા ભાભર, સામખીયારી, રાજકોટ, વીરપુર શ્રી જલારામ ધામ, જુનાગઢ અને સોમનાથ આ રીતના રૂટની ટ્રેન શરૂ કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, કચ્છ, રાજકોટ, જુનાગઢ અને સોમનાથ એમ છ જીલ્લાની સમગ્ર જનતાને ખુબજ મોટો ફાયદો થશે. આ વિસ્તારના લોકો ધંધા રોજગાર માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સ્થાઇ છે, બીજું બનાસકાંઠા અને પાટણ આ બંને જીલ્લાના લોકોને વિરપુર શ્રી જલારામ બાપાના ધામ, ખોડલ ધામ, જુનાગઢ ગીરનાર કે પછી સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા માટે જવા માટે ટ્રેનની સગવડ આ વિસ્તારની ગરીબ પ્રજાને મળી રહે. હાલે દિયોદરથી જુનાગઢ અને રાધનપુરથી સોમનાથ આ બે એસ. ટી. બસો ચાલે છે પરંતુ આ બંને બસો સામાન્ય અને ગરીબ જનતાને ભાડામાં પરવડતું નથી અને ટ્રાફીક પણ વધારે રહેતો હોવાથી લોકોને આઠ કલાક સુધી ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે,બીજી ટ્રેન પણ આ જ રીતે પાલનપુરથી દ્વારકા સુપર ફાસ્ટ ટ્રેન મુકવામાં આવે જે પાલનપુરથી સાંજે સાડા છ વાગ્યે ઊપડે આ બંને ટ્રેનોને પૂરતા મુસાફરો પણ મળી રહેવા સાથે આમ જનતાને પણ ખુબજ મોટો ફાયદો થશે તો આ બાબતે બનાસકાંઠા, પાટણ, કચ્છ, રાજકોટ, જુનાગઢ, સોમનાથ અને દ્વારકા સુધીના દરેક સાસંદો આ ટ્રેનો શરૂ કરાવવા કેન્દ્રની હિન્દુવાદી સરકારમાં ધારદાર અને પરિણામલક્ષી રજુઆત કરે તેવી છ જિલ્લાની પ્રજાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે અન્યથા પ્રજા સત્યાગ્રહનો માર્ગ પણ અપનાવતા અચકાશે નહિ.