
નુકસાન / પાટડીની મજેઠી કેનાલમાં ગાબડું અંદાજે ૧૦૦ વિઘા જળબંબાકાર
જીરું, કપાસ અને ઘઉંના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ
પાટડીઃ પાટડી તાલુકાના મોટી મજેઠી કમાલપુર કેનાલના ગાબડું પડતા ખેતરો જળબંબાકાર થઇ ગયા હતા. અંદાજે ૧૦૦ વીઘાના ખેતરોમાં જીરા, કપાસ અને ઘઉંના પાકમાં કેનાલના પાણી ફરી વળતા ખેડુતો પાયમાલ બન્યા હતા.
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે. રણકાંઠાના કુલ ૮૯ ગામોમાંથી ૮૭ ગામોમાં નર્મદાના નીર પહોંચ્યા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ નર્મદા કેનાલના કામો નબળા હોવાના લીધે વારંવાર કેનાલોમાં ગાબડા પડવાના બનાવો બને છે. પાટડી તાલુકાની મોટી મજેઠી અને કમાલપુર વચ્ચેથી પસાર થતી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરો પાણીમાં જળબંબાકાર બની જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. મોટી મજેઠીના અંદાજે ૧૦૦ વીઘાના ખેતરોમાં જીરા, કપાસ અને ઘઉંના પાકમાં કેનાલના પાણી ફરી વળતા ખેડુતો પાયમાલ બન્યા હતા. આ અંગે મોટી મજેઠી ગામના સરપંચ છેલાભાઇ ભરવાડ અને બાબુભાઇ વાણંદે જણાવ્યું કે, કેનાલના નબળા કામના લીધે ગાબડું પડતા કેનાલના ચિક્કાર પાણી ખેડૂતોના ઊભા મોલમાં ફરી વળતા ખેડૂતોને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.
આભાર – નિહારીકા રવિયા