નમસ્તે ટ્રમ્પ : ઝૂંપડપટ્ટી ન દેખાય તે માટે પહેલાં દીવાલ બાંધી
અમદાવાદઃ અમેરિકી પ્રેસિડન્ટ ટ્ર્મ્પની વિઝિટ વખતે ઝૂંપડપટ્ટી ન દેખાય તે માટે એરપોર્ટ નજીક હાંસોલના સરણિયા વાસ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીને ઢાંકવા માટે બનાવેલી દીવાલનો વિવાદ વધુ વકર્યો છે. દીવાલ ચણી કાઢવા માટે ૮ ફૂટના પિલ્લરો ઉભા કરવામાં આવ્યા હતા પણ વિવાદને પગલે દીવાલનું કામ ૪ ફૂટથી રોકી દઈ મ્યુનિ.અધિકારીઓ ટ્રમ્પની વિઝિટને લીધે નહીં પણ દબાણ રોકવા દીવાલ બનાવી હોવાનો દાવો કરે છે. બીજી તરફ નવી બનાવેલી દીવાલ પણ દેખાય નહીં તે માટે તેની બહારના ભાગે કોનોકારપસના ૨૦૦થી વધુ વૃક્ષો પણ રાતોરાત લગાડી દેવામાં આવ્યા
કેન્દ્રીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ ટ્રમ્પની ૨૪-૨૫ની ભારત વિઝિટ અંગેના કરેલા નિવેદનમાં ગાંધી આશ્રમની મુલાકાતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શ્રીંગલાએ કરેલા નિવેદન મુજબ ટ્રમ્પ ભારતમાં ૩૬ કલાક રોકાશે. ૨૪ ફેબ્રુઆરીએ મધ્યાહ્નના થોડા સમય પહેલા (અંદાજે ૧૨ વાગ્યાના અરસામાં) ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થશે અને અહીંથી ટ્રમ્પ રોડ-શો નિહાળતા સ્ટેડિયમ પહોંચશે. ભારતીયતાની ઝાંખી કરાવતા ૨૮ સ્ટેજ આ રોડ-શોના રસ્તા પર હશે. જ્યાંથી તેઓ મોટેરા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે અને ભારતભરમાંથી આવેલા લોકોને સંબોધન કરશે. તાજ મહેલ જોવા જવાનું હોવાથી ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ૨૫ ફેબ્રુઆરીએ તેમનું દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત થશે અને ત્યાંથી તેઓ રાજઘાટ જશે અને પછી હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરશે અને બપોરનું ભોજન કરશે તેમજ માધ્યમોને સંબોધશે. તે પછી દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસ ખાતે ખાનગી રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓને મળશે, સંધ્યા સમયે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ સાથે સાંજનું ભોજન લઇ અમેરિકા પરત ફરશે. ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ટ્રમ્પ દિલ્હી રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને અંજલિ આપવાના હોઇ અમદાવાદ સાબરમતી આશ્રમ ન જાય તેવું બની શકે છે. હજુ સત્તાવાર રીતે ટ્રમ્પના કાર્યાલય તરફથી કાર્યક્રમની જાણકારી ન હોવાથી તેઓ ગાંધી આશ્રમ જશે તેમ માનીને સરકારે આયોજન કર્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીના મુજબ ટ્રમ્પનો શીડ્યૂલ વ્યસ્ત હોવાથી તેઓ ગાંધી આશ્રમની મુલાકાત રદ કરી શકે છે.
યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓ સાથે આશ્રમની મુલાકાત લીધી હતી. પહેલી નજરે આશ્રમ જોઈને યુએસના એજન્ટોએ વેધક સવાલ કર્યો હતો કે, તમે અહીં કેમ ટ્રમ્પને લાવવા માંગો છો. પ્રત્યુત્તરમાં અધિકારીએ કહ્યું કે, ઐતિહાસિક દૃષ્ટિએ ગાંધી આશ્રમનું ખૂબ મહત્ત્વ હોવાથી મુલાકાત જરૂરી છે.
એરપોર્ટ રોડના ડિવાઈડર પર મ્યુનિ.એ સુશોભન માટે ૨૪ કુંડા મૂક્યા છે. બોમ્બ સ્કવોડ દ્વારા તેનું ચેકિંગ કરાયું હતું. જેમાં સિમેન્ટના કુંડા હોવાથી બીપ અવાજ આવતાં માટી ખાલી કરાવીને ફરીથી ભરાવી હતી.
કોટેશ્વર મંદિરથી મેગીબા સર્કલ થઈને સ્ટેડિયમમાં જતાં વીઆઈપી રૂટ પર સ્થાનિક એનજીઓ દ્વારા ટ્રમ્પ અને મોદીના પેઈન્ટિંગ કરાયા હતા. જે મ્યુનિ.એ કૂચડો મરાવી તેના સ્થાને અન્ય પેઈન્ટિંગ કરાવ્યા છે.
મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી ક્લબ હાઉસ જવાના મુખ્ય રસ્તે મંથરગતિએ ચાલતું હતું. આ રોડ ખુલ્લો કરવાનો હોવાથી રાતોરાત મેટ્રો દ્વારા તમામ પિલરો ઊભા કરી દઈ રોડ ખુલ્લો મૂકી દીધો છે.
લો-ગાર્ડન હેપી સ્ટ્રીટની લાઈટો કાઢી ટ્રમ્પ જે રૂટ પર મોટેરા સ્ટેડિયમ જવાના છે ત્યાં શોભા વધારવા લગાવી દેવામાં આવી હોવાનું મ્યુનિ. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પને એર સુરક્ષા આપવાનો નિર્ણય કરાયો છે. એરફોર્સના ચારથી પાંચ હેલિકોપ્ટર તેમના મુલાકાતના સ્થળોએ સતત પેટ્રોલિંગ કરશે. આ માટે રડાર અને ફ્રિકવન્સી સેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ખાસ કરીને આ હેલિકોપ્ટર દ્વારા શંકાસ્પદ ડ્રોન અંગે ખાસ તકેદારી રાખવામાં આવનાર હોવાનું પોલીસ અધિકારી સૂત્રોનું કહેવું છે. હેલિકોપ્ટરમાં એરફોર્સના જવાનોની સાથે યુએસ સિક્રેટ સર્વિસના સુરક્ષા અધિકારીઓ તેમજ એનએસજીના હથિયારધારી કમાન્ડો તહેનાત રહેશે તેમ પોલીસ સૂત્રોનું કહેવું છે. હાલમાં અમદાવાદ શહેરમાં યુએસ સિક્રેટ સર્વિસના ૨૫ જેટલા કમાન્ડો સુરક્ષા સંબંધિત બાબતો અંગે સમીક્ષા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી અમેરિકી પ્રમુખ પાંચમાં રાષ્ટ્ર પ્રમુખ છે અમદાવાદની મુલાકાત લેશે. આ પહેલા પ્રમુખ છે જેમને હવાઈ સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. સૌથી વધુ થ્રેટ હોવાથી તકેદારી રખાઈ છે.
એસપીજી, એનએસજી અને સ્થાનિક પોલીસની વધુ એક બુધવારે મળી હતી. ટ્રમ્પના રોડ-શોના રૂટ પર અને સ્ટેડિયમમાં એનએસજીના સ્નાઈપર તહેનાત રાખવામાં આવશે. મોટાભાગે સ્નાઈપરના ૧૦થી વધુ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.