નમસ્તે ટ્રમ્પ : ગૃહમંત્રી અમિત શાહ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાત આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અમિત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. હાલ તેઓ મોટેરા સ્ટેડિયમે પહોંચ્યા છે.
તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈ થઈ રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરશે. તેની સાથે સાથે સુરક્ષા અને વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ દિવસ એટલે કે ૨૩,૨૪ અને ૨૫ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં રોકાશે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ મંગળવારે કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાયન્સ કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇને ફરી સંગઠનમાં વિવિધ નિમણૂંકોને લઇ અટકળો ચાલી રહી છે. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી સંગઠનના આગેવાનો સાથે રાજ્યની હાલની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે.