
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ આજે બે પોલીસ અધિકારીઓ સરેઆમ બાખડ્યા, ગાળાગાળી પર ઉતરતાં
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ આજે બે પોલીસ અધિકારીઓ સરેઆમ બાખડી પડતાં ચકચાર મચી જવા પામી હતી, તો પોલીસબેડમાં પણ આ બબાલને લઈ ચર્ચાઓ થવા લાગી હતી. એક ડીવાયએસપી પોતાની કારમાં પોતાના પુત્રને લઈ આવ્યા હતા. જો કે સુરક્ષા માટે હાજર અન્ય એક ડીવાયએસપીએ પુત્રનો પાસ માગતા અન્ય ડીવાયએસપી રોષે ભરાયા હતા. અને પછી બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. જો કે અન્ય આઈપીએસ અધિકારીઓએ વચ્ચે પડીને મામલે થાળો પાડ્યો હતો.
પીએમ મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને લઈ ભારતે ઈતિહાસમાં નહીં જોયો હોય તેવો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેવામાં એક નાની અમથી ભૂલ કે ચૂક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેવામાં આજે સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત ડીવાયએસપી એ.બી.સૈયદ કારમાં પોતાના પુત્ર સાથે સ્ટેડિયમમાં આવ્યા હતા. પણ સ્ટેડિયમ બહાર સુરક્ષામાં હાજર ડીવાયએસપી ડી.એમ.વ્યાસે તેમને અટકાવ્યા હતા.
વ્યાસે ગાડીની અંદર પ્રાઈવેટ વ્યક્તિને જોતાં તેનો પાસ સૈયદ પાસે માગ્યો હતો. જો કે આસપાસના લોકોએ કહ્યું કે, આ તેમનો પુત્ર છે. પણ તેવામાં ડીવાયએસપી સૈયદનો વર્દી પાવર જાગી ગયો. અને મારી ગાડી કોણે રોકી તેમ કહી તેઓ નીચે ઉતરી ગયા. અને પછી ડીએમ વ્યાસને પણ કાંઈપણ બોલવા લાગ્યા. પછી તો ડીએમ વ્યાસ પણ પિત્તો ગુમાવી ચૂક્યા અને પોતે ફરજ કરતાં હોવાને જણાવ્યું હતું.
પછી તો બંને વર્દીધારી ઓફિસરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ. બે અધિકારીઓ વચ્ચેની બબાલને કારણે આઈપીએસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને મામલો શાંત કરવા માટે મથામણ કરવા લાગ્યા હતા. અંતે બંને અધિકારીઓ શાંત પડ્યા હતા. પણ આ કિસ્સો પોલીસબેડામાં આગની જેમ ફેલાઈ ગયો હતો.