
નડિયાદ / ચંદીગઢ ખાતે યોજાનારા એડવેન્ચર ફેસ્ટિવલમાં નડિયાદના યુવકની પસંદગી
નડિયાદ: વર્ષ 2020 ના એડવેન્ચર ફેસ્ટિવલ માટે રાજ્ય સરકાર દ્વારા 20 સાહસિકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં નડિયાદના મયંકભાઇ સોનીની પણ પસંદગી થઇ છે. અત્યાર સુધીમાં તેઓ અનેક સાહસિક યાત્રાઓ કરી ચૂક્યા છે. છેલ્લે સિક્કીમમાં તેઓ પર્વતારોહણ કરીને સિધ્ધિ હાંસલ કરી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા તેમની એડવેન્ચર ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી છે. ચંદીગઢ ખાતે યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશના 300 જેટલાં સાહસવીરો ભાગ લેશે.
સાહસવીરો રોક ક્લાઇમ્બીંગ, વોટર સ્કીઇંગ, વોટર સર્ફિંગ, પેરાગ્લાઇડીંગ, પેરા સેઇલીંગ, કેનોઇંગ, ટ્રેકિ઼ગ, રિવર રાફ્ટીંગ, સ્નો સ્કીઇંગ, રાઇફલ શુટિંગ જેવી વિવિધ રમતો રમશે. આ માટેની તાલીમ હિમાલયના સિમલા, કુફરી, સોલાંગનાલા, મનાલી, મંડી, નારકંડા, દહેરાદૂનમાં આપવામાં આવશે. રાજ્યમાંથી આ ફેસ્ટિવલ માટે કુલ 20 સાહસવીરોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી મયંક સોનીની પસંદગીને લઇને નગરજનો ગર્વ અનુભવી રહ્યા છે. એવરેસ્ટ સર કરવાના સપના સાથે મયંક એક પછી એક સિધ્ધિ હાંસલ કરી રહ્યો છે.