ધોરણ ૧૦, ૧૨ના પરીક્ષાર્થીઓને પરીક્ષા રસીદ ઓનલાઇન મળશે
ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે.
શિક્ષણ બોર્ડે ટેક્નોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે.
આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઇ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે.
શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબાસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.