ધારાસભ્યોનાં રાજીનામાં પડતાં ગુજરાત કોંગ્રેસમાં ફેલાયો ફફડાટ, એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચશે.
ગુજરાતમાં કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપી દીધા છે. અને હજુ પણ કેટલાક ધારાસભ્યો રાજીનામાં આપી શકે તેવી ચર્ચા ઉઠી છે. તો ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું કે, અધ્યક્ષને ચાર ધારાસભ્યોના રાજીનામા મળ્યા છે. તેવામાં સુત્રો પાસેથી જાણકારી મળી છે કે, કોંગ્રેસ હવે પીછેહઠ કરશે અને એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચશે. ભરતસિંહ સોલંકીના ઘરે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
એકબાજુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોએ રાજીનામા ન આપ્યા હોવાની વાત કરી રહી છે. તેવામાં બીજી બાજુ સુત્રોએ જણાવ્યું છે કે, રાજીનામાંને કારણે ગુજરાત કોંગ્રેસે પીછેહઠ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. અને રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારોમાંથી એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવામાં આવી શકે છે તેવું સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે, ભરતસિંહ સોલંકીના ઘરે મળેલી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતાં જ કોંગ્રેસ તૂટવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. જેમાં આજે કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા અને ડાંગનાં ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી હતી. જે બાદ હવે ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ પણ રાજીનામું આપવાની વાત વહેતી થતાં કોંગ્રેસ માટે ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે.