
દિલ્હીના પરિણામની અસર ગુજરાતમાં, પ્રજાને મળશે મોટી ભેટ! બજેટમાં થશે યોજનાઓની લ્હાણી
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળશે તેવાં સ્પષ્ટ આંકડા રૂઝાનમાં જોવા મળી રહ્યા છે. આ વખતે ભાજપનો વોટ શેર ભલે વધ્યો હોય પણ ભાજપ સત્તાથી દૂર જ રહેશે. તેવામાં દિલ્હીના ઈલેક્શન રિઝલ્ટની સારી અસર ગુજરાતીઓને થશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી. જેમાં દિલ્હીના પરિણામોને જોતાં બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની લ્હાણી થઈ શકે છે.
દિલ્હી ચૂંટણી માટે સીએમ રૂપાણી સહિત ગુજરાતનાં અનેક નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. પણ ચૂંટણી પરિણામોમાં ભાજપને તેનો કોઈ ફાયદો થયો હોવાનું જણાતું નથી. અમિત શાહ, પીએમ મોદીની ધુંઆધાર રેલીઓ છતાં પણ કેજરીવાલની ખુરશી ડગમગાવી શક્યા ન હતા. તેવામાં આજે સીએમ રૂપાણીના નિવાસસ્થાને મહત્વપુર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો હાજર રહ્યા હતા. બેઠકમાં દિલ્હીનાં પરિણામો અને રૂઝાન અંગે ચર્ચા થઈ હતી. તો આગામી સમયમાં ગુજરાતમાં બજેટ રજૂ થનાર છે. ત્યારે બેઠકમાં બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આજના દિલ્હીના પરિણામોની અસર બજેટ ઉપર પણ થશે તેવી ચર્ચા છે. શક્યતા છે કે ગુજરાતના બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની ભરમાર હોય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતનાં સીનિયર મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.