દાહોદમાં આદમખોર દીપડો, લાકડાં વીણવા ગયેલી ૧૨ વર્ષની બાળાનાં ગળામાં દાંત ખૂંપાવી દીધા, હાથ ફાડી ખાધો

ગુજરાત
ગુજરાત

દાહોદમાં વધુ એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. દાહોદનાં ધાનપુર તાલુકાના કાંટુ ગામના જંગલમાં પરોઢિયે જંગલમાં ખજુરિયા ગામની મહિલાઓ સાથે લાકડા વીણવા માટે એક ૧૨ વર્ષિય તરૂણી ગઈ હતી. મહિલાઓને છોડીને બાળકી સોફ્ટ ટાર્ગેટ લાગતાં જ દીપડાએ તેનાં પર તરાપ મારી હતી. અને તેને ગળેથી પકડીને ઝાડીઓમાં ૧૫૦ મીટર દૂર ખેંચી ગયો હતો. દીપડાએ ગળામાં દાંત ખુંપાવી દેતાં અને એક હાથ ફાડી ખાતા કિશોરીનું મોત થઇ ગયું હતું.
 
ગરબાડા તાલુકાના ખજુરિયા ગામની મહિલાઓ બુધવારની પરોઢે ૬ વાગ્યે બીલીયા અને ખજુરિયા ગામના સીમાડે આવેલા કાંટુ ગામના ગીચ ઝાડી અને ખીણ વાળા જંગલમાં લાકડી વીણવા માટે ગઇ હતી. મહિલાઓ સાથે ગામની ૧૨ વર્ષિય રંગીતા ખુમસિંહ પલાસ પણ ગઇ હતી. પણ મહિલાઓને અંદેશો ન હતો કે, ઝાડીઓમાં ખૂંખાર અને આદમખોર દીપડો ઝાડીઓમાં લપાઈને બેઠો છે. દીપડાએ મહિલાઓનાં ટોળાંમાંથી પોતાનો એક સોફ્ટ ટાર્ગેટ નક્કી કરી દીધો.
 
દીપડાનો સોફ્ટ ટાર્ગેટ બની ૧૨ વર્ષની રંગીતા. મહિલાઓ કંઈ સમજે તે પહેલાં જ દીપડાએ ઝાડીઓમાંથી બહાર આવી વીજળીની સ્પીડે બાળકી પર તરાપ મારી, અને બાળકીને ગળેથી પકડીને ગીચ ઝાડીઓમાં ધસડી ગયો હતો. એકાએક બનેલાં આ દ્રશ્યો જોઈને મહિલાઓ પહેલાં તો દંગ રહી ગઈ હતી. અને તરત જ તેઓએ બૂમાબૂમ કરીને દીપડા પાછળ દોટ લગાવી હતી. મહિલાઓએ બૂમાબૂમ કરતાં થોડે દુર રહેતાં લોકો પણ દોડી ગયા હતાં. દીપડાની દિશામાં જઇને દેકારા પકડારા કરાયા હતાં. જોકે, ઝાડીમાં ૧૫૦ મીટર અંદર સુધી ખેંચી ગયો હોવાથી ભારે શોધખોળ બાદ રંગીતા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
 
મહિલાઓ ઉંચકીને તેને ડુંગર ઉપર લઇ ગઇ હતી. અન્ય ગામ લોકો પણ દોડી આવતાં રંગીતાને જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગળાના ભાગે દીપડાએ દાંત ખુપાવવા સાથે તેના ડાબા હાથ ઉપર પણ કરડ્યુ હોવાથી રંગીતાનું મોત થઇ ગયું હતું. દીપડાના હુમલામાં તરૂણીનું મોત થતાં જંગલ વિસ્તાર નજીકમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટના મામલે વન વિભાગ દ્વારા સરકારની જોગવાઇ અનુસાર રંગીતાના પિતાને નાણાકીય સહાય ચુકવવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.