ટ્રમ્પના કાર્યક્રમમાં જતી બસને કલોલ હાઇવે પર અકસ્માત, ૨૪ વિદ્યાર્થી ઘાયલ
મહેસાણા કોલેજના વિદ્યાર્થીઓને લઇ જતી બસ મોટેરા સ્ટેડીયમ પહોંચે તે પહેલા જ અકસ્માતનો ભોગ બની હોવાનું સામે આવ્યુ છે. ત્રિપલ અકસ્માતમાં બસમાં બેઠેલા ૨૪ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતાં દોડધામ મચી ગઇ છે. અકસ્માતને પગલે તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પહેલા કલોલ જનરલ હોસ્પિટલ અને પછી ત્યાંથી ગાંધીનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભારે અફરાતફરી વચ્ચે કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી અવગત કર્યા હતા.
અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના કાર્યક્રમમાં જવા વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમ્યાન મહેસાણાની નાગલપુર કોલેજના વિદ્યાર્થીઓને લઇ જતી બે બસ પૈકી એકને અકસ્માત નડ્યો હતો. કલોલ હાઇવે પર ભારે ટ્રાફીક વચ્ચે આગળની બસે અચાનક બ્રેક મારતાં વિદ્યાર્થીઓ ભરેલી બસ ટકરાઇ ગઇ હતી. આ પછી પાછળથી આવતી બસે વિદ્યાર્થીઓ ભરેલી બસને ટક્કર મારતા ભારે કોલાહલ મચી ગયો હતો. અકસ્માતને પગલે ૨૪ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
ત્રિપલ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને કલોલ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ સારવારની જરૂર હોઇ ગાંધીનગર સ્થિત પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને તાત્કાલિક જાણ કરી તેઓના હસ્તક કર્યા હતા. ઘટના અંગે નાગલપુર કોલેજના પ્રોફેસર મહેશભાઇએ જણાવ્યુ હતુ કે, સારવાર બાદ તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.