
જૂનાગઢમાં ભવનાથમાં મેળાનો આજથી પ્રારંભ, મહાશિવરાત્રીએ રાત્રે ૧૨ વાગ્યે શાહીસ્નાન
જૂનાગઢ
ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યે સોમવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થનાર છે. શુભ મુહૂર્તમાં સંતો, મહંતોની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરતાની સાથે જ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. બાદમાં વિવિધ અખાડા, મંદિરો, આશ્રમોમાં ધ્વજારોહણ કરાશે. મહાવદ નોમ (૧૭ ફેબ્રુઆરી)થી લઇને મહાવદ તેરસ(૨૧ ફેબ્રુઆરી)ની મધ્યરાત્રી સુધી યોજાનાર મેળામાં ભાવિકો ઉમટી પડશે. આ સાથે દેશ દેશાવરમાંથી આવતા સાધુ, સંતો, મહંતો તેમજ દિગંબરોના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે.
મેળામાં આવનાર ભાવિકોના ભોજન-પ્રસાદ માટે વિવિધ જ્ઞાતિસમાજોના ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, આશ્રમો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન બનાવવાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અંદાજે ૨૫૦થી વધુ અન્નક્ષેત્રોમાં ૫ દિવસ સુધી હરિહરના નાદ ગુંજી ઉઠશે. મહાવદ તેરસ મહા શિવરાત્રીના સાધુ સંતોની રવેડી નિકળશે જેમાં અંગ કરતબના દાવ જોવા મળશે. નિયત રૂટમાં ફર્યા બાદ રવેડી ભવનાથ મંદિરે પહોંચશે અને બાદમાં મૃગીકુંડમાં મધ્યરાત્રીના ૧૨ વાગ્યે શાહી સ્નાન બાદ મેળાની સમાપ્તી થશે. મેળામાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, વિશ્વંભર ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહેશે.