જનતા કર્ફ્યૂ; આજથી બુધવાર સુધી લોકડાઉન દુકાન ખુલ્લી રાખનારાને સીધા જેલમાં ધકેલી દેવાશે
જનતા કર્ફ્યૂ
અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા જનતા કર્ફ્યૂને લીધે સમગ્ર અમદાવાદ જડબેસલાક બંધ રહ્યું હતું. ૧૯૬૦માં અપાયેલા જનતા કર્ફ્યૂના એલાનમાં આવી સ્થિતિ જોવા મળી હતી. ૬૦ વર્ષ પછી અમદાવાદીઓએ આવું બંધ જોયું. શહેરના રોડ પર વાહન અને માણસોની જગ્યાએ કબૂતરની વસતી જોવા મળી હતી. શિવરંજની પાસેની આ તસવીર શહેરના દરેક વિસ્તારમાં રહેલા બંધનું પ્રતિબિંબ પાડે છે. જનતા કર્ફ્યૂ પછી હવે ૨૫ માર્ચ સુધી શહેરને લોક ડાઉન કરાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ કહ્યું કે, સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા કોર્પોરેશને ૪૦૦ ટીમ બનાવી છે જે શહેરભરમાં ગોઠવાઈ જઈ કડકાઈથી અમલ કરાવશે.
સાંજે પાંચના ટકોરે જ શહેરના એકે એક ફ્લેટ, સોસાયટી, હાઈરાઈઝ બિલ્ડિંગોથી માંડી પોળોમાં કોરોના સામે લોકોને રક્ષણ આપતાં મેડિકલ કર્મીઓને વધાવી લેવાયા હતા. બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં લોકોએ બાલ્કનીમાં આવી થાળી-તાળીના નાદથી સલામી આપી હતી.