
ઘરમાં CCTV કેમેરા લગાવાની બાબતે, પતિ-પત્નીએ કરી સાસસામે પોલીસ ફરિયાદ
અમદાવાદના નવરંગપુરામાં પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બંને વચ્ચે ઝઘડા થતાં હતા. પતિએ વોચ રાખવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે બે લોકોને બોલાવ્યા હતા. પણ પત્નીએ તેના બેડરૂમમાં સીસીટીવી ન લગાવવા કહેતા પતિએ ઝઘડો કરી માર મારી ધમકી આપી હતી. જેથી પત્નીએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પતિએ પણ પત્ની પર આક્ષેપ કરી તેની સામે પણ ફરિયાદ નોંધાવતા પોલીસે તે બાબતે પણ ફરિયાદ નોંધાવી છે.૩૮ વર્ષીય મહિલા બે બાળકો અને પતિ તથા સાસુ સાથે રહે છે. ગઇકાલે તે ઘરે હતી ત્યારે તેના પતિ બે માણસો લઇને આવ્યા હતા. ઘરમાં સીસીટીવી નાખવાનું કામ ચાલુ કરાવવાનું હતું. પણ મહિલાએ તેના પતિને કહી દીધું કે તે તેના રૂમમાં સીસીટીવી નહિ લગાવવા દે. જેથી પતિએ આવેશમાં આવીને તેનો હાથ વાળી દીધો અને બાદમાં તેને માર મારી ઢસડીને તેને રૂમમાં લઇ ગયો હતો. સાસુ પણ પતિ પત્ની વચ્ચે ચાલતો આ ખેલ નિહાળી રહી હતી. પણ કાંઇ બોલી ન હતી.સુત્રોએ જણાવ્યુ હતુ કે, આસપાસનાં લોકો આવી જતા પોલીસને જાણ કરતા પોલીસે આવીને મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ તેની ફરિયાદ નોંધી હતી. મહિલાએ અગાઉ પણ તેના પતિ સામે આઇપીસી ૪૯૮ મુજબ કેસ કર્યો હતો જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. નવરંગપુરા પોલીસનું કહેવું છે કે, બંને પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલે છે અને કોર્ટ મેટર પણ ચાલુ છે. તે દરમિયાનમાં બંને વચ્ચે ઝઘડો થતાં હાલ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચાલુ છે.