
ગુજરાત બજેટ : મોટી જાહેરાતો, પોલીસ વિભાગમાં નવી ૧૧ હજારની ભરતી કરાશે,
ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું રૂ.૨.૧૭ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૭૫ વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. ૭૫૦ને બદલે રૂ.૧૦૦૦ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.૬૦૦ની જગ્યાએ રૂ.૧૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ. ૨૧૬૦ કરવામાં આવશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં ૧૧ હજાર નવી ભરતી કરવામાં આવશે. જ્યારે ૪,૫૨૮ જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે. જેથી હવે હોમગાર્ડનું સંખ્યાબળ ૪૯ હજાર ૮૦૮ જેટલું થઈ જશે.
વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આપણી માતૃભાષા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાનો પરિચય મેળવી શકે તે માટે ગુજરાતને જાણો નામની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાન થવાના કેસમાં રૂ.૫૦ હજારનું વિમા કવચ આપવામાં આવતું હતું. જેને રાજ્ય સરકારે વધારીને રૂ.૧ લાખનું કર્યું છે.