
ગુજરાતમાં ૭૩ પોઝિટિવ કેસ, ૬ દર્દીના મોત, સુરતમાં તબીબ સહિત ૫ને ક્વોરન્ટીન કરાયા
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના ૭૩ દર્દી નોંધાયા છે. જ્યારે કુલ ૬ લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છેકે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીસ સહિતના ૫ લોકોને ક્વોરન્ટીન કર્યા છે.
તબીબ સહિત ૫ને ક્વોરન્ટીન કરાયા સુરતના રાંદેરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત ૫ ને ક્વોરન્ટીન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.