ગુજરાતમાં ૩૦મી સુધી લોકડાઉન રહે તેવી શક્યતા , એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર. વડાપ્રધાન સાથે મળેલી બેઠકમાં રાજ્ય સરકારે હાલમાં રાજ્યમાં કોરોના વાઇરસના ચેપના પ્રસારનો વેગ જોઈ એપ્રિલના અંત સુધી લૉકડાઉન અમલી રહે તેવું મંતવ્ય રજૂ કર્યું છે. સંભવત વડાપ્રધાન પણ આ મુજબની જાહેરાત કરશે, પરંતુ આ સાથે ગુજરાત સરકારે રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ખેંચ ન પડે અને અર્થતંત્રને મોટો ઝાટકો ન વાગે તે રીતે ધીરે ધીરે અલગ અલગ ક્ષેત્રોમાં લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવાનો વ્યૂહ અપનાવ્યો છે. સરકારે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને સત્તાવાર જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવશે.
 
રાજ્ય સરકારના ખૂબ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ અંગે નિર્ણય લઈને પ્રથમ માછીમારો માટે છૂટ આપવાનો નિર્ણય શનિવારે જ જાહેર કરીને તેમને દરિયામાં જવા માટેની છૂટ આપી છે. હવે પછીના તબક્કામાં આવતા સપ્તાહે એપીએમસી બજારો અને ત્યાર પછીના સપ્તાહમાં ઉદ્યોગોને આ માટે છૂટછાટ આપવામાં આવશે. આ માટે ઉદ્યોગગૃહોને તેવા સંજોગોમાં જ છૂટછાટ આપવામાં આવશે કે જેમાં તેઓ પોતાના કારીગરો તથા કર્મચારીઓને પોતાના યુનિટમાં કે તેનાથી ખૂબ નજીકના સ્થળે રહેવાની તથા અન્ય પાયારૂપ સુવિધાઓ ઊભી કરી આપે. એવાં વ્યાવસાયિક કે ઔદ્યોગિક એકમો કે જેમાં કર્મચારીઓને દૂરના સ્થળેથી આવવું-જવું પડે તેમને આ માટે છૂટ આપવામાં આવશે નહીં. ઉપરાંત છૂટ અપાયાં પછી પણ એપીએમસી અને ઉદ્યોગગૃહોએ પોતાના એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાની બાંહેધરી આપવાની રહેશે. જો તેમાં ભંગ થયેલો જણાશે તો ત્વરિત તેમના સંચાલકો વિરુદ્ધ પગલાં લેવાઈ શકે છે. આ ઉપરાંત આવા એકમો પોતાના કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધા પણ શરૂ નહીં કરી શકે. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં શહેરોમાં અમુક જરૂરી સેવાઓને લગતાં વ્યાવસાયિક એકમોને અમુક કલાકો માટે ખુલ્લા રાખવાની છૂટછાટ મળી શકે છે અને અહીં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. 
 
સરકારે અગાઉ નક્કી કર્યા પ્રમાણે જે વિસ્તારો અથવા જિલ્લાઓમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ નોંધાયા નથી ત્યાં લૉકડાઉન હળવો કરવો તેવું વિચાર્યું હતું, પરંતુ હવે અમદાવાદ અને અન્ય શહેરમાં નવા વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસ નોંધાતાં આ વિચાર માંડી વાળ્યો છે. આ ઉપરાંત હવે જે જિલ્લામાં કેસ નથી નોંધાયા ત્યાં પણ લોકોના રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થવાના હોવાથી ત્યાં પણ લૉકડાઉન ખોલવામાં આવે તો આ કવાયત નિરર્થક સાબિત થાય તેવું લાગતાં ત્યાં પણ હાલ લૉકડાઉન નહીં હટે. જો લૉકડાઉન હળવું કરાય તો લોકોની અવરજવર વધતાં સાઇલન્ટ કેરિયર દ્વારા ચેપનું વહન થઈ શકવાનો ખતરો પણ આમાં રહેલો છે તેવું સરકારના ધ્યાને આવ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.