
ગુજરાતમાં ગરીબોને મફતમાં અનાજઃ સવા ત્રણ કરોડ લોકોને થશે લાભ
ગુજરાત
વડાપ્રધાને ૨૧ દિવસ સુધી દેશને લોકડાઉન જાહેર કર્યા બાદ ગુજરાતમાં રોજનું કમાઇને રોજ ખાઇને જીવન નિર્વાહ કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે આ પરિવારો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂપાણીએ ૨૧ દિવસ સુધી ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. જેનો અમલ ૧લી એપ્રિલથી કરવામાં આવશે. ૧લી એપ્રિલથી રેશનકાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે. જેનો લાભ કારીગરો, ગરીબ, શ્રમજીવી સહિત કુલ સવા ત્રણ કરોડ લોકોને મળશે.
૧લી એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પર વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘંઉ, ૧.૫૦ કિલો ચોખા તથા કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ મફતમાં આપવામાં આવશે. કોરોનાના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.