ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત ,સુરતમાં ૬૯ વર્ષીય દર્દીનું મૃત્યુ
કોરોના વાઈરસ
ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે. સુરતમાં ૬૯ વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ વૃદ્ધ અઠવાલાઇન્સમાં રહેતા હતા. કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મોતની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વીટ કરી પુષ્ટી કરી છે.
તેમજ વડોદરામાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી એક ૬૫ વર્ષીય મહિલાનું પણ મોત થઈ ગયું છે. જેનો કોરોનાનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. આ મહિલાનો મૃતદેહ લેવા માટે એમ્બ્યુલન્સ આવી ગઈ છે. તેમજ ચાર કે પાંચ જ લોકોની હાજરીમાં જ તેમને અગ્નિદાહ આપવામાં આવશે. પોલીસ બંદોબદસ્ત સાથે મૃતદેહ ઘરે લઈ જવાની પણ ના પાડવામાં આવી છે. આ મહિલાને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારી હતી.
કોરોના વાઈરસનો પહેલો પોઝિટિવ કેસ સુરતનો હતો અને મૃત્યુ પણ પહેલું સુરતમાં થયું છે. જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે જનતા કર્ફ્યુના કારણે લોકો ઘરની બહાર નીકળ્યા નથી. જોકે, પોઝિટિવ દર્દીના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે.