
ગુજરાતમાં કોરોનાના પાંચ વધુ કેસ સપાટી પર : સંખ્યા ૩૫ થઇ
અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનો ખતરનાક રીતે સ્થાનિક સ્તરે પણ પ્રસાર શરૂ થઈ ગયો છે. એટલે કે પહેલાં જે વિદેશથી આવેલા લોકો હોય તેમાં જ કોરોના વાઇરસનું સંક્રમણ જાવા મળતુ હતું પરંતુ હવે આ વિદેશથી આવેલા લોકોના કોઇપણ રીતે સંપર્કમાં આવ્યા બાદ ગુજરાતના સ્થાનિક લોકોમાં પણ આ વાઇરસનો ચેપ લાગી ગયો છે અને આવા ત્રણ કેસ આજે સામે આવ્યા હતા. ગઇકાલે સાંજે સુરતનો એક અને આજે વધુ ૩ મળી કુલ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૧૩, વડોદરામાં ૬, સુરતમાં ૬, ગાંધીનગરમાં ૬,રાજકોટ અને કચ્છમાં ૧-૧ કેસ પોઝિટિવ કેસો મળી છેલ્લા ૬ દિવસમાં રાજયભરમાં પોઝિટિવ કેસનો આંકડો ૩૩એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. તંત્રએ રાજયભરમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ ૧૧ હજાર ૧૦૮ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. તેની સાથે સાથે ૧૫૮૩ આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ૬૦૯ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આજે વધુ ૫૨ સેમ્પલ આવ્યાં છે. જેનો ટેસ્ટ બીજે મેડીકલ ખાતે કરવામાં આવશે.