ગુજરાતમાં અઢી કરોડ લોકોને મળશે અનાજ, સુખી-સંપન્ન લોકોને CMની અપીલ-‘તમારો હક જતો કરો’
ગુજરાત
દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન આપ્યું છે અને આ લોકડાઉન ૧૪ એપ્રિલના રોજ પૂર્ણ થશે, લોકોને ઘરમાં રહેવાની સુચના આપી દેવામાં આવી છે જેનું કેટલાક લોકો પાલન નથી કરી રહ્યા તેમણે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યાં જ ગુજરાતની વાત કરીએ તો હાલમાં રાજ્ય માટે કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદમાં તો કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ સ્થિતિ દરમિયાન રાજ્ય સરકારે ગરીબ લોકોને જરૂરી સહાય કરી રહી છે અને મફતમાં અનાજ પણ આપી રહી છે. ત્યાં જ હવે રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે રાજ્યમાં અનાજ વિતરણ અંગે જણાવ્યું કે, ૧૩ એપ્રિલથી ૬૦ લાખ જેટલા એપીએલ રાશન કાર્ડ ધારકોને અનાજ અપાશે. આવા કુલ અઢી કરોડથી વધુ લોકોને અનાજ આપવામાં આવશે.
આ સાથે જ વધુમાં તેમણે કહ્યું હતું કે, આવા લોકોને સામાન્ય સંજોગોમાં અનાજ અપાતુ નથી, પણ લોકડાઉનમાં અનાજ અપાશે. તેઓને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અથવા ચણા અને ૧ કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યુ હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ સુખી સંપન્ન લોકોને અપીલ કરી છે કે સુખીસંપન્ન લોકો પણ આ કેટેગરીમાં આવે છે, તેથી તેઓ શક્ય હોય તો પોતાનો હક જતો કરે. જેથી જરૂરિયાતમંદ લોકોને સહાય મળી રહે.