
ગુજરાતઃ કોરોના વાઈરસથી મોબાઈલ માર્કેટમાં મંદી, ચીનથી આવતી એસેસરીઝ બંધ
અમદાવાદમાં ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારીની ગુજરાતના વેપાર ઉપર પણ અસર જોવા મળી રહી છે. ચાઈનાથી આવતા મોબાઈલ, એસેસરીઝ અને સ્પેરપાર્ટસ પણ હવે આવતા બંધ થઈ ગયા છે. જેથી હવે કોરોના વાઈરસની અસર ના કારણે મોબાઈલ સ્પેરપાર્ટસ મોંઘા થયા છે. જેને લઇ રીલિફ રોડ પર મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં આવેલા રાજ્યના સૌથી મોટા મોબાઈલ બજાર ચાઇના માર્કેટમાં મંદી જોવા મળી રહી છે.સ્માર્ટફોન હવે દરેક વ્યક્તિની જરૂરિયાત થઇ ગઈ છે, જેના કારણે મોબાઈલ રિપેરીંગથી લઈને મોબાઈલ વ્યવસાયમાં પણ વધારો થયો છે. તેમજ ફોન રિપેરીંગ માટેના સ્પેરપાર્ટ્સ અથવા અન્ય એસેસરીઝ ચાઈનાથી આવી રહ્યા છે. પરંતુ કોરોના વાઈરસને કારણે હવે ચાઈનાથી સ્પેરપાર્ટ્સ અને એસેસરીઝ આવતા બંધ થઈ ગયા હોવાથી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલ ચીનમાં આવતા જતા બિઝનેસમેનથી લઈ ચીજ વસ્તુઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ચીનથી આવતા સ્માર્ટ ફોનના સ્પેરપાર્ટસથી લઈને ફોન પણ હવે બંધ થયા છે. જેથી હવે મોબાઈલ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ દુકાનમાં નવરા બેસી રહેલા જોવા મળે છે. તેમજ મોબાઈલ એસેસરીઝમાં હેન્ડ્સ ફ્રી, બ્લૂ ટુથ, હેડફોન સહીતની વસ્તુઓના ભાવ વધ્યા છે.