કોરોના : સુરતમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા આંકડો ૨૩ પર પહોંચ્યો
સુરત.વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૨૩ પર પહોંચ્યો છે. જે પૈકી ચારના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. દરમિયાન આજે વધુ ૧૦ શંકાસ્પદ નોંધાયા છે. જેમાં એક દિવસ અને ૭ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. શહેરમાં મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતના સમાચારથી તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે, હજુ દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. પરંતુ પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે અને કોરોનાની ગાઈડ લાઈન મુજબ અંતિમ વિધિ કરવા માટે પરિવારને સૂચના પણ આપી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ત્રણ-ત્રણ કેસને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે.
આજે શહેરમાં વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા સોદાગરવાડની ૭૦ વર્ષીય ફાતિમાબેન શરબતવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલાનો સર્વો હાથ ધર્યો છે.
ગત રોજ નોંધાયેલા બે રાંદેર સહિત સેન્ટ્રલ ઝોનનો એક એમ કુલ ત્રણેય પોઝિટિવ કેસ પૈકી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી નથી. જોકે, એક મહિલા દર્દી પોતાના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાંદેરમાં જે ૩ કિ.મી. ત્રિજ્યા છે જે શહેરના લગભગ ૧ ટકા જેટલો એરિયા છે, પરંતુ જો શંકાસ્પદ કેસમાં જોઈએ તો ૩૫ ટકા કેસો રાંદેરના ૩ કિ.મી. ત્રિજ્યામાં જ મળ્યાં છે.