કોરોના : સુરતમાં એક જ દિવસમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ૧૯ પર પહોંચ્યો
સુરત.
સુરત. શહેરમાં આજે વધુ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિંબંધ મૂકી કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. જે પૈકી એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનું હજી બાકી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર અને કડોદરા વિસ્તારના શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયા હતા.
આજના બે નવા કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે એક કેસ બેગમપુરાનો છે. સવારે રાંદરે વિસ્તારમાં આવેલી અલ અમીન રેસીડેન્સીમાં રહેતા ૫૨ વર્ષીય અહેસાન રાશિદ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની કોઈ ટ્રાવેસ હિસ્ટ્રી જ નથી. જ્યારે રાંદેરમાં જ બાગ એ રહેમત અલવી રો હાઉસમાં રહેતી ૪૫ વર્ષીય યાશ્મીન અબ્દુલ વહાબ કાપડિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે ત્રીજા કેસમાં બેગમપુરાના ૭૦ વર્ષીય વૃદ્ધા દયાકૌર હિરાલાલ ચાપડિયા છે. જે બેગમપુરાના પોઝિટિવ વૃદ્ધના સાસુ છે. જેમની પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી આરોગ્ય વિભાગે તેમના પરિવારની સુરક્ષા માટે જરૂર પગલાં લીધા છે.
કાપોદ્રાની અક્ષરધામ સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય મુન્ના શંભુરામ ને તાવ સહિતની તકલીફ જણાતા સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ કરાવવા માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ નેગેટિવ આવ્યા હતા પરંતુ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આવી જ અન્ય એક ઘટનામાં સુરતના છેવાડે આવેલા કડોદરાના વરેલી ગામના ૧૮ વર્ષીય યુવકને શનિવારના રોજ તાવ અને શ્વાસ લેવામાં સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું .આ યુવકનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.
શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજવાની સાથે એક જ દિવસમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા શહેરનું આરોગ્ય વિભાગ સતત દોડતું રહ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૨ દર્દીના મોત થયા છે. ૫ દર્દી સાજા થતા તેમને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં ૨૦૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૮૨ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.