
કોરોના : વડોદરામાં ૪ અને રાજકોટમાં ૨ પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ૨૪૭એ પહોંચી
કોરોના
રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં ૫૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોરબાદ વડોદરામાં વધુ ૪ અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ ૨૪૭ દર્દીઓ થયા છે. જેમાંથી ૧૭ના મોત થઈ ગયા છે અને ૨૬ સાજા થયા છે. તેમાં પણ અમદાવાદમાં આજે ૫૦ નવા કેસ સામે આવતા શહેરમાં કુલ ૧૩૩ કોરોનાના દર્દીઓ થયા છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના ૯૦ હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ સુધી કોઇને કોરોના નથી. ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો ૧ હજારથી વધુ ખાનગી ડોક્ટરની જરૂર પડશે. ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર હોવા અંગે મુખ્યમંત્રી સાથેની ઉચ્ચસ્તરિય બેઠકમાં જણાવવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં ૫૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં ૨૪૧ પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક ૧૭એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં ૫૦, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. ૬૮ વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી ૯ વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા ૧૨૭ લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે જણાવ્યું છે.