
કોરોના : ગુજરાતમાં ૧૪ માસથી લઈ ૯ વર્ષ સુધીના ૫ બાળકો કોરોનાના શિકાર બન્યાં
રખેવાળ, ડીસા
અમદાવાદમાં
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો ૫૨૧ને પાર થયો છે. અમદાવાદ, સુરત,વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે છે. બીજીતરફ લોકો દ્વારા સતત સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાની ઘટનાઓ પણ વધી રહી છે. કોરોનાનો કહેર હવે નાના બાળકો પર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ૧૪ મહિનાથી લઈને ૬ વર્ષ સુધીના બાળકોમાં કોરોનાના લક્ષણો સામે આવ્યા છે. જેમા એક બાળકનું મોત પણ નિપજ્યું છે.
જામનગરમાં
જામનગરના દરેડમાં ૧૪ માસના બાળક જિશાંત રહેમાનભાઇ કુરેશીને ૪ એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમિક પરિવાર છેલ્લા અઢી વર્ષથી અહીં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને જીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો. પરંતુ તબિયત વધુ ગંભીર હોવાથી તેનું ૨૪ કલાકમાં જ મોત નીપજ્યું હતું. મૃતક બાળક તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતું.
બનાસકાંઠામાં
સુરતનો એક પરિવાર ૨૪મી માર્ચનાં રોજ બનાસકાંઠાનાં મિઠાવી ચારણ ગામમાં આવ્યો હતો. જેમાંથી પરિવારનાં પાંચ વર્ષનાં બાળકમાં પાંચમી એપ્રિલનાં રોજ કોરોનાનાં લક્ષણો દેખાતા તેને ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો. જેનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ પાલનપુર સિવિલ હૉસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ પરિવારનાં અન્ય લોકોનાં પણ સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
દાહોદમાં
ઇન્દોરથી ૭ એપ્રિલે દાહોદમાં પરિવારના મોભીની અંતિમવિધિ માટે આવેલા એક પરિવારની ૯ વર્ષિય બાળકીને કોરોના પોઝેટિવ આવ્યા બાદ તેને વધુ સારવાર માટે બુધવારની રાત્રે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રિફર કરી હતી. આરોગ્ય વિભાગની સમયસૂચક્તાથી પરિવારમાં કોરોનાના કોઇ લક્ષણ દેખાય તે પૂર્વે જ ઇન્દોરની ટ્રાવેલ હિસ્ટ્રીથી તકેદારીના ભાગ રૂપે સેમ્પલ લેવાયા હતાં. જેમાંથી બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાંચરડામાં
કલોલ તાલુકાના રાંચરડા ગામમાં ૬ વર્ષના બાળકનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર ગામ હચમચી ગયું હતું. હાલમાં બાળક સિવિલમાં સ્ટેબલ છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાને પગલે બાળકના પરિવાર સહિત સમગ્ર ગામને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ગામમાં દરેક ઘરોમાં જઈ બાળકના માતા-પિતાનો રિપોર્ટ લેવાય રહ્યો છે. ગઈકાલ રાતથી બાળકના કોન્ટેક્ટમાં આવેલા તેના માતા-પિતા સહિતના લોકોની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રી તપાસ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલાની કોન્ટેક્ટ હિસ્ટ્રી મેળવી છે.
બોડેલીમાં
બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લાનો પ્રથમ કોરોનાગ્રસ્તનાં પરિવારની બે વર્ષની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને બોડેલી જેવા નગરમાં બે કોરોનાનાં કેસ નોંધાતા લોકોમાં ગભરાટ વ્યાપેલો જોવા મળ્યો હતો. દિલ્હી તબલિગી જમાતની મરકજમાં જઈ આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેઓના પરિવારનાં ૧૬ સભ્યોને બોડેલી કોલેજ ખાતે ફેસિલિટી ક્વોરોન્ટાઈન પર મૂક્યા હતા. તમામનાં સેમ્પલ લઈને મોકલતા ૧૫ સદસ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પણ કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું હતું.