કોરોના : ગુજરાતમાં ૧૦ નવા કેસ સાથે કુલ ૧૦૫ પોઝિટિવ કેસ
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ ૮ દિવસમાં ૪૪ કેસ તો બીજા ૮ દિવસમાં ૪૮ પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે ૧૦ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૧૦૫ પોઝિટિવ કેસો થયા છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક ૮૦ વર્ષીય મહિલા પણ છે. જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે. આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક ૯એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.