કોરોના : અમદાવાદમાં હવે માસ્ક વગર નીકળ્યા તો ભરવો પડશે દંડ , ૩ વર્ષની સજા
રખેવાળ, અમદાવાદ
કોરોનાના કહેર વચ્ચે આજે એએમસી કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં કુલ ૧૧ લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયા છે. શહેરમાં કોરોનાના કુલ ૨૬૩ કેસ નોંધાયા છે.
કમિશનરે કહ્યું કે મધ્ય ઝોનમાં ૭ કેસ, પશ્ચિમ ઝોનમાં ૬ કેસ, પૂર્વ ઝોનમાં ૧ કેસ જ્યારે દક્ષિણ ઝોનમાં ૯ કેસ નોંધાયા છે. વિજય નેહરાએ કહ્યું કે ૫૩૭૯ સેમ્પલમાંથી ૪,૦૧૯ નેગેટિવ નોંધાયા છે. ચેકપોસ્ટ ઊભી કરીને ૨૪ હજાર લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક શંકાસ્પદ લોકો મળ્યા. જ્યારે ૧૦૮૬ લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે ૫.૯૭ લાખ લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે. ૭૪૮ ટીમે ૧.૧૩ લાખ ઘરમાં સ્ક્રીનિંગ કર્યું છે.
એએમસી કમિશનરે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું કે આવતીકાલથી અમદાવાદમાં માસ્ક ફરજિયાત રહેશે. જાહેર રસ્તા, સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે માસ્ક નહીં પહેરનાર લોકોને રૂ.૫,૦૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડ ન ભરે તો ૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. વિજય નેહરાએ કહ્યું કે સાદા કપડાના માસ્ક વાપરી શકાશે. કોઈપણ કપડું મોઢું અને નાક ઢાંકવાનું રાખવું તેમણે કહ્યું છે.