
કોરોનાવાઇરસ : ગુજરાત અત્યાર સુધી કોરોનામુક્ત, દેશમાં અત્યાર સુધી ૩૦ કેસ, દિલ્હીમાં શાળાઓ બંધ, મ.પ્ર.માં યોજાનારો આઈફા એવોર્ડ રદ
અમદાવાદ, નવી દિલ્હી: 77 દેશમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાઈરસે ગુરુવાર સુધીમાં 3308 લોકોનો ભોગ લીધો છે. બીજી બાજુ ભારતમાં પીડિતોની સંખ્યા 30ની થઈ ગઈ છે. નવો એક કેસ ગાજિયાબાદમાં જોવા મળ્યો છે. આ વ્યક્તિ ઈરાનથી પરત ફરી હતી. દિલ્હી સરકારે તમામ પ્રાથમિક શાળા 31 માર્ચ સુધી બંધ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલ્જિયમનો પ્રવાસ રદ કર્યો છે. ઈટાલીમાં ફેલાયેલા ચેપના પગલે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ઈટાલી અને દ. કોરિયાથી આવનારા લોકોેએ કોરોનામુક્ત સર્ટિફિકેટ લાવવું ફરજિયાત છે. જો આ સર્ટિફિકેટ હશે તો જ તેમને ભારતમાં પ્રવેશ મળશે. મધ્યપ્રદેશમાં યોજાનારો આઈફા એવોર્ડ પણ સ્થગિત કરાયો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 35 શંકાસ્પદ કેસ મળ્યા હતા. જેમાંથી 30 નેગેટિવ છે. જ્યારે બાકીના 5ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 14 શંકાસ્પદ કેસ મળ્યા હતા. તેમાં 8 અમદાવાદ, 2 સુરત, 2 ભરૂચ, 1 પાલનપુર અને 1 મોડાસામાં નોંધાયા હતા. વિદેશમાં પણ અનેક સાવચેતી લેવાઈ રહી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે જાપાનનો પ્રવાસ રદ કર્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં હવાઈ ઈમરજન્સી લગાવાઈ છે. ગ્રાન્ડ પ્રિન્સેસ જહાજને સાન ફ્રાન્સિસ્કોમાં અટકાવી દેવામાં આવ્યું છે. ઈઝરાયલે વેસ્ટ બેન્કમાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે ચીની જહાજને બંદર પર આવવાની મંજૂરી આપી નથી. દરમિયાનમાં આ મુદ્દે રાજકારણ પણ ખેલાઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું છે કે આરોગ્યમંત્રી કહી રહ્યા છે કે વાઈરસ સરકારના કાબૂમાં છે. આવું જ ટાઈટનિકના કેપ્ટને પ્રવાસીઓને કહ્યું હતું કે ગભરાવવાની જરૂર નથી, જહાજ નહીં ડૂબે.દિલ્હી-રાજસ્થાન જઈ અમદાવાદ આવેલા બે ડોક્ટર સહિત ત્રણના કોરોના રિપોર્ટ નેગેટિવઅમદાવાદમાં કોરોના વાઈરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. યુએન મહેતા હોસ્પિટલના બે તબીબો દિલ્હી કોન્ફરન્સમાં ગયા હતા. ત્યાં તેઓ ઈટાલીથી આવેલા ડેલિગેશનના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા પછી બંન્ને તબીબોને શરદી-ખાંસી અને તાવ આવ્યો હતો. જેને પગલે બંન્નેને સિવિલ હોસ્પિટલના જ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા.આ ઉપરાંત અન્ય એક 30 વર્ષનો યુવક રાજસ્થાન ગયો હતો અને ત્યાં પણ ઈટાલીથી આવેલા ગ્રુપ સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યાંથી પરત અમદાવાદ આવ્યા પછી તેને શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેયના બલ્ડ સેમ્પલની બી.જે.મેિડકલ કોલેજમાં જ તપાસ કરવામાં આવી હતી. અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ આઠ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જાપાનથી પરત ફરેલા સેટેલાઈટના દંપતીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.સેનિટાઈઝર, હેન્ડ વોશની માંગ વધીકોરોના વાઇરસના પગલે અમદાવાદ તેમજ ગ્રામ્ય વિસ્તારોના સેનિટાઈઝર અને હેન્ડવોશની માંગ વધી છે. લોકો કોરોના વાઇરસનો ચેપ લાગશે તેવી આશંકાથી ઘરમાં સેનિટાઇઝર અને હેન્ડવોશ સહિત મેડિકેટડ સાબુનો સંગ્રહ કરવા લાગ્યા છે. મોલમાં પણ અત્યારે સૌથી વધુ મેડિકેટેડ હેન્ડવોશ અને સાબુ સહિત સેનિટાઇઝરનું વેચાણ મોખરે છે. હાલમાં આ વસ્તુઓના ભાવમાં 5થી 10 ટકાનો વધારો થયો છે.28529 લોકો દેખરેખ હેઠળ, દવાનો ત્રણ મહિનાનો સ્ટોકકેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 29 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમાંથી 3 સારા થઈ ચૂક્યા છે. 4 માર્ચ સુધી 28529 લોકોને દેખરેખ હેઠળ રખાયા હતા. વડાપ્રધાન મોદી, પોતે અને મંત્રીઓનું જૂથ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
રસાયણ અને ખાતરમંત્રી ડી.વી.સદાનંદ ગૌડાએ કહ્યું કે દવા અને કાચા માલની કોઈ અછત નથી. ત્રણ મહિના જેટલો સ્ટોક છે. મંત્રીઓનું જૂથ પુરવઠા પર નજર રાખી રહ્યું છે.
કોરોનાના દર્દી જ્યાં જ્યાં ગયા હશે, ત્યાં ત્યાં ટીમ પહોંચશેદેશમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારે નિર્ણય કર્યો છે કે જ્યાં આ દર્દીઓએ પ્રવાસ કર્યો હશે તે સ્થળની 3 કિમીના વિસ્તારમાં રહેતા લોકોનું સ્ક્રીનિંગ કરાશે. આરોગ્ય કર્મચારી-ટેક્નિશિયનની ટીમ દરેક ઘરે જઈને સ્ક્રીનિંગ કરશે. જો શંકાસ્પદ જણાશે તો ત્યાં જ તેના સેમ્પલ લેવાશે. શંકાસ્પદના પરિવારના અન્ય સભ્યોને અલગ રહેવા માટેનો નિર્દેશ અપાશે. આ અંગે આરોગ્ય મંત્રાલયે પ્રત્યેક સંયુક્ત સચિવને બેથી ત્રણ રાજ્યની જવાબદારી આપી છે. તેમણે કાયમ સંપર્કમાં રહેવાનું રહેશે. મંત્રાલયે હેલ્પલાઈન નંબર 011- 23978046 જાહેર કર્યો છે.કોરોનાને કારણે એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીને 8 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે
IATAના વડા એલેકઝાન્ડર જૂનૈકે કહ્યું છે કે માત્ર 2 મહિનામાં કોરોના વાઈરસના કારણે વિમાની કંપનીઓને ભારે અસર થઈ છે. ચાલુ વર્ષે વિમાનઉદ્યોગને 8 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. અનેક એરલાઈન્સ દ્વારા વિવિધ દેશ માટેની ફ્લાઈટ્સ બંધ કરાઈ છે અથવા તો તેની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.ભારતમાં કોરોનાના દર્દી ઝડપથી સારા થઈ રહ્યાછેકોરોનાને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ભયનો માહોલ બન્યો છે. શિકાર બનેલા પાંચ લોકોમાંથી ચારની સ્થિતિ સુધરી રહી છે. ભારતીય સંશોધકો અને વિજ્ઞાનીઓએ લોકોને અપીલ કરી છે કે, કોઈએ પણ આ વાઈરસથી ગભરાવાની જરૂર નથી. સંશોધક ગગનદીપ કાંગેએ કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસના 30 કેસ જણાયા છે. તેમાંથી 16 ઈટાલીના પર્યટક છે. આ ઉપરાંત કેરળના જે 3 નાગરિકોમાં કોરોનાનો ચેપ હતો તેઓ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. ગયા વર્ષે લંડનમાં રોયલ સોસાયટીમાં ફેલો તરીકે પસંદ થયેલી પ્રથમ ભારતીય મહિલા ગગનદીપે કહ્યું કે આ વાઈરસ માટે કોઈ ખાસ દવા નથી પણ પેરાસિટામોલ જેવી દવાની મદદથી ચાર લોકોમાં સકારાત્મક પરિણામ દેખાયા છે. જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેણે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. નોર્વે સ્થિત સીઈપીઆઈ પણ કોરોનાની રસી શોધવામાં વ્યસ્ત છે. ગગનદીપે કહ્યું કે દરેકે પોતાના હાથ સારી રીતે ધોવા જોઈએ અને પોતાના ચહેરાને પણ વારંવાર સ્પર્શ કરવો જોઈએ નહીં.