
કોંગ્રેસમાં જૂથવાદ વકર્યો : ચાર ધારાસભ્યોના રાજીનામા, પાંચ ગુમ
અમદાવાદ
રાજ્યસભા ચૂંટણીને પગલે છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યના રાજીનામાની સત્તાવાર જાહેરાત બાકી છે. જ્યારે 5 ધારાસભ્યો હાલ ગુમ છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી. કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈકાલે(14 માર્ચ) સાંજે પાંચ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં રાજીનામા આપ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતા જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની શક્યતા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. ગુમ થયા બાદ કે.વી. કાકડિયાએ રાજીનામું આપ્યું હતું. છેલ્લા 24 કલાકથી ચાલી રહેલા આ ડ્રામાની શરૂઆત શનિવારની સાંજથી થઈ હતી. સાંજે કોંગ્રેસના 14 ધારાસભ્ય જયપુર રવાના થયા બાદ કોઈ પોલિટિકલ થ્રીલરને પણ ટક્કર મારે એવી ઘટનાઓ બની રહી છે.ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી રાજ્યસભાના ઉમેદવાર કોણ હશે તે નક્કી કરવા કોંગ્રેસનાં બી.કે. હરિપ્રસાદ અને રજની પાટીલ નિરીક્ષકો તરીકે ગુજરાત આવી રહ્યા છે.