
કચ્છમાં બન્નીના ઘાસીયામેદાનમાં એકસાથે ૩૦૦ જેટલા સાંઢાની હત્યા
ભુજ તાલુકાના બન્નીના ઘાસીયા મેદાનમાં એકસાથે અનેક સાંઢા (સરિસૃપ)ની હત્યા કરી દેવાઈ હોવાની ચકચારી માહિતી પ્રકાશમાં આવી છે, આ ઘટનાના કારણે વનવિભાગમાં પણ દોડધામમાં મચી ગઇ છે. ઉગમણી બન્નીના નવલખા વિસ્તારની આ ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાખાબોથી સાત કિલોમીટર અંદરના મેદાની વિસ્તારમાં સાંઢાના દરમાંથી તેને કાઢીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેની સંખ્યા લગબગ ૨૫૦ પારથી વધુ હોવાનો પણ દાવો થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, સાંઢો એક એવો જીવ છે જેના શરીરમાં એક ખાસ પ્રકારનું તેલ હોય છે, જેનાથી ‘વા’ સહિતના હાડકાના રોગોની સારવાર થાય છે એવી માન્યતા છે. ઉપરાંત મર્દાનગી વધારવાનું તત્વ તેનામાં હોવાનું લોકો કહી રહ્યા છે. આમ એકંદરે માનવીય સ્વાર્થની માન્યતા હેઠળ એકસાથે આટલા મોટા પ્રમાણમાં સાંઢાની હત્યા થઇ હોવાની વાત સામે આવી છે. માત્ર ઘાસ ખાઈને નિર્ભર રહેતો જીવ કચ્છમાં મુખ્યત્વે અબડાસા, લખપત અને બન્નીમાં જોવા મળે છે અને આ પ્રજાતિ ખુબ જ ઓછી સંખ્યામાં છે.
ઉલ્લેખનિય છે કે, સાંઢાની હત્યા કરવી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંભીર ગુન્હો બને છે. આ ગરોળી શિડ્યુલ-૨ ભાગ-૧ માં સમાવિત કરાઈ છે. ગુન્હેગારને સાત વર્ષની કેદ અને ૨૫૦૦૦ દંડની જોગવાઈ છે.