આજથી ગુજરાતમાં ગરીબોને મફતમાં અનાજ વિતરણ, અનેક વિસ્તારોમાં સવારથી લાંબી લાઈનો લાગી
ગુજરાતમાં કોરોનાથી ચપેટમાં અત્યારસુધીમાં ૭૪ લોકો આવ્યા છે. જેમાંથી ૬ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સારા સમાચાર એ પણ છેકે ૬ દર્દીઓ સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે. દેશભરમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. તેવામાં આજથી એટલેકે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ ૪ એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.
આજથી ગરીબોને મફતમાં અનાજ કીટનું વિતરણ રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.૨૫ કરોડ લોકોને આજથી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.