અમરેલીમાં સલડી ગામે બે કાર સામસામી અથડાતા ભડભડ સળગી, બે ભડથુ થયા, ભમરમાં જાનનું ટ્રેક્ટર પલ્ટી મારતા મહિલાનું મોત
અમરેલીઃ લીલીયા તાલુકાના સલડી ગામ નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાતા ભડભડ સળગી ઉઠી હતી. કારમાં સવાર બે યુવાનો કારમાં જ ભડથું થતા મોત નીપજ્યા હતા. જેમાં એક વરસડા ગામનો મેહુલ નામનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એકની ઓળખ થઇ નથી. બીજી તરફ સાવરકુંડલાના ભમર ગામ નજીક જાનનું ટ્રેક્ટર પલ્ટી મારતા ૪૫ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.
સલડી નજીક બે કાર સળગી ઉઠતા વાહનચાલકો ઉભા રહી મદદ માટે દોડી ગયા હતા અને ગ્રામજનોને ખબર પડતા ઘટનાસ્થળે આવી કારના કાચ ફોડી કારમાં સવાર ચાર વ્યક્તિઓને બચાવ્યા હતા અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટના મોડીરાત્રે બની હતી. કલેક્ટર સહિતના અધિકારીઓ પણ મોડીરાત્રે દોડી આવી આવ્યા હતા. બંને મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.
એક કારમાંથી બચી ગયેલા યુવાનો પોતાના મિત્રની કાર લઇને કોઇ લગ્નપ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી પાછા આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બે મૃતકો પૈકી એક વરસાડાનો મેહુલ નામનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય કોઇનું નામ જાણવા મળી નથી રહ્યું. અકસ્માતગ્રસ્ત પૈકી એક કારનો નંબર જીજે ૧૪ ઇ ૫૨૯૬ હોવાનું જાણવા મળ્યું છે.
ભમર ગામ નજીક આજે રવિવારે વહેલી સવારે ટ્રેક્ટરમાં જાન ચીખલીથી ધાડલા જતી હતી. ત્યારે વીજપડી-ઘાડલા વચ્ચે ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું અને ૪૫ વર્ષીય મહિલાનું માથું છુંદાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ૫થી વધુ જાનૈયાઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.