અમદાવાદમાં કાપડ ફેક્ટરી નંદન ડેનિમમાં લાગેલી આગ કાબૂમાં, વધુ એક લાશ મળતા મૃત્યુંઆંક ૭ થયો, હજુ સર્ચ ઓપરેશન ચાલુ
અમદાવાદઃ પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના ૫૦થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે મોડી રાતે આગ પર કાબૂ મેળવાયા બાદ એક ગોડાઉનમાંથી ૫ મજૂરની ભૂંજાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ આજે સવારે ફરી સર્ચ ઓપરેશન કરવામા આવ્યું છે. જેમાં સવારે એક અને બપોર બાદ એક લાશ મળી આવતા મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો છે. ફેકટરીમાં હજી એક કે બે વ્યક્તિ હોવાની આશંકાને લઈ ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર સહિતના ફાયરકર્મીઓએ અત્યારે ફરી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. હ્લજીન્ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે
પીરાણા પીપળજ રોડ પર નંદન ડેનિમમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હોવાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે ડેનિમ સળગતાં આગ વધુ પ્રસરી હતી. ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ લાગેલી આગને કાબૂમાં લેવામાં ફાયરબ્રિગેડના ૫૦થી વધુ જવાનો અને સંખ્યાબંધ વાહનો જોડી ૬ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાઈ ગયા બાદ ફાયરના જવાનોએ એક ગોડાઉનનો દરવાજો ખોલતાં તેમાંથી પાંચ મજૂરની લાશ મળી હતી. મૃતકોમાં રોનકબેન રાવત, સુમિત્રાબેન પટેલ, કુંજનભાઈ તિવારી, ભાઈલાલ ભરવાડનો સમાવેશ થાય છે. હજુ અન્ય મજૂરો પણ અંદર બળી ગયા હોવાની આશંકા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. બીજી તરફ ડેનિમ ફેક્ટરીમાં ક્યા કારણોસર આગ લાગી તે અંગે સ્થળ પર ઉપસ્થિત ફેક્ટરીના સંચાલકો પાસેથી પણ કોઈ જવાબ જાણવા મળ્યો ન હતો. શોર્ટસર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી છે કે કેમ તે દિશામાં ફાયર વિભાગના જવાનો તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન વટવા અને નારોલ પોલીસ સ્ટેશનનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
નંદન ડેનિમ ફેક્ટરીમાં આગ લાગી ત્યારે સંચાલકોએ મીડિયાને અંદર પ્રવેશવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આગ લાગી તેની જાણકારી મળી ત્યારે તમામ મજૂરો બહાર આવી ગયા હોવાની વાત તેઓ કરી રહ્યા હતા, જેને લઈને ફાયરબ્રિગેડે પણ આ જ વાતને પકડી રાખી હતી. જોકે આગ બુઝાઈ ગયા બાદ ફાયર જવાનોએ અંદરના ભાગમાં જઈને તપાસ કરતા એક ગોડાઉનનો દરવાજો ખોલતા અંદર પાંચ મજૂર આગમાં ભૂંજાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે મૃત્યુઆંક વધુ હોવાની આશંકાના આધારે ફાયરના જવાનોએ વધુ તપાસ હાથ ધરી છે.