અમદાવાદના બોપલમાં ગરબે રમનાર મહિલા પીઆઈ સસ્પેન્ડ

GepLAAJ_UGg
ગુજરાત

પોલીસ ટીમ ડીજેના તાલે ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
 
અમદાવાદમાં કોરોના વાયરસના ખતરાની ઘંટી વાગી ગઈ છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ પોલીસ લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેના માટે બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે રવિવારે મોડી રાત્રે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા તેમના જ બનાવેલા નિયમોનું સરેઆમ ભંગ કર્યું હતું. બોપલ વિસ્તારની એક સોસાયટીમાં ગરબા ચાલી રહ્યા હતા, તેમાં PI પોતે અને તેમના સ્ટાફે ડીજેના તાલે ગરબા રમ્યા હતા.
 
આ ઘટના મુદ્દે હાલ મોટું એક્શન લેવામાં આવ્યું છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના PI  અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI અનિલા બ્રહ્મભટ્ટને ગ્રામ્ય SPએ સસ્પેન્ડ કરતા એક મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે કે કાયદો તમામ માટે સમાન છે, પછી ભલે તો શહેરનો નાગરિક હોય કે પોલીસ તંત્રમાં હોય. તમને જણાવીએ કે રવિવારે રાત્રે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ ડીજેના તાલે ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ મોટો હોબાળો સામે આવ્યો હતો.
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેનું ચુસ્તપાલન કરવા માટે શહેરમાં ૧૪૪ કલમ લગાવવામાં આવી છે. આ કલમમાં ૪થી વધુ લોકો ભેગા થઈ શકે તેમ નથી તેમ છતાં અમદાવાદના કેટલાંક વિસ્તારોની સોસાયટીઓમાં ડીજે જેવી પાર્ટીઓમાં લોકો ભેગા થાય છે. આવા સમયમાં લોકોને ભેગા ન થાય તેની ધ્યાન રાખવાના બદલે પોતાના જ બનાવેલા નિયમોનું સરેઆમ ઉલ્લંધન કરીને બોપલ પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમ જ ૧૫ જેટલા પોલીસ કર્મચારીઓ ગરબે ઝૂમતા દેખાયાં હતાં.
 
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, બોપલ વિસ્તારની એક સોસાયટીના લોકોને મનોરંજન મળી રહે તે માટે સોસાયટીની અંદર એક ગુજરાતી ગાયક કલાકારને બોલાવવામાં આવ્યા હતા. તે ગાયક કલાકાર સોસાયટીના ગાર્ડનમાં લાઉડ સ્પીકર પર ગરબા ગાઈ રહ્યાં હતાં જ્યારે પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, મહિલા પોલીસ તેમજ પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં.
હાલ આ તમામ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થઈ રહ્યો છે. એક બાજુ શહેરમાં પોલીસ લોકો પાસે જાહેરનામાનું પાલન કરાવવા પ્રયાસો કરી રહી છે બીજી તરફ ખુદ પોલીસ જ તેના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહી છે. તેવા સમયમાં પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરમાં ઘણી વખત એક નાગરિકને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જતા હોય ત્યારે તેને રોકીને અનેક સવાલો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ જ કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલું વ્યાજબી છે. આ ઘટના બાદ લોકમુખે અનેક ચર્ચાઓ ચાલી હતી. ત્યારબાદ આ ઘટના અહેવાલોમાં ચમક્યા બાદ ગ્રામ્ય એસપી દ્વારા મોટું એક્શન લઈને પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.