
અમદાવાદઃ ભ્રષ્ટાચાર કેસમાં હાઇકોર્ટનો પ્રશ્ન, લોકાયુક્તનું કામ પણ અમે કરીએ?
તેજલ શુકલ, અમદાવાદઃ
સુરત કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને એવો સવાલ કર્યો હતો કે, આ તો સરકારના ભ્રષ્ટાચારની ફરિયાદ છે. ભ્રષ્ટાચારના કેસ માટે લોકાયુક્ત નથી? સુનાવણી દરમ્યાન કોર્ટમાં બેઠેલા એડવોકેટ જનરલને પૂછતાં તેમણે લોકાયુક્ત નહીં હોવાનું જણાવ્યું હતું. કોર્ટે અરજદારને એવી ટકોર કરી હતી કે, લોકાયુક્ત જ ન હોય તો પહેલા તેની નિમણૂક માટે જાહેરહિતની અરજી કરવી જોઇએ. લોકાયુ્ક્ત નિમાય પછી ભ્રષ્ટાચારના કેસો તેમની પાસે ચલાવી શકાય. લોકાયુક્તને કરવાના કામ પણ હાઇકોર્ટ જ કરશે?સુરત કોર્પોરેશનમાં એલઈડી સ્ટ્રીટ લાઇટના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે સરકારી નાણાંનો વ્યય થતો હોવાની જાહેરહિતની અરજી કરાઇ હતી. અરજીની પ્રાથમિક સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને એવો સવાલ કર્યો હતો કે સરકારના ટોચના સ્થાનોમાં થતાં ભ્રષ્ટાચાર માટે લોકાયુક્તની નિમણૂક થતી હોય છે. રાજ્યમાં લોકાયુક્ત છે કે નહીં? કોર્ટરૂમમાં હાજર એડવોકેટ જનરલને કોર્ટે પૂછ્યું હતું કે, લોકાયુક્ત નથી? તેના જવાબમાં એડવોકેટ જનરલે પણ લોકાયુક્ત નહીં હોવાની વાતને સમર્થન આપ્યું હતું.સુરત સામેના ભ્રષ્ટાચારના કેસમાં જાહેરહિતની અરજીની સુનાવણી વખતે કોર્ટને જાણ થઇ હતી કે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરાઇ નથી. આ સાંભળીને કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને એવી ટકોર કરી હતી કે ભ્રષ્ટાચારના કેસ લોકાયુક્તે ચલાવવાના બદલે હાઇકોર્ટમાં વધી ગયા છે. કોર્ટે વધુ સુનાવણી બે મહિના બાદ મુલતવી રાખી હતી.