
અદા શર્માને ‘ધ કેરલ સ્ટોરી’ ફળીઃ નવી ફિલ્મ સાઈન કરી
મુંબઈ, બોક્સ ઓફિસ પર ધ કેરલ સ્ટોરી તગડી કમાણી કરી રહી છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર છ દિવસોમાં જ રૂ. ૭૦ કરોડની નજીક પહોંચી ગયું છે અને પોન્નિયન સેલ્વમ ટુનાં હિન્દી વર્ઝનનાં કલેક્શન કરતાં ત્રણ ગણ થઈ ગયું છે. નિર્માતાઓની સાથે સાથે અદા શર્માને પણ આ ફિલ્મ ફળી છે. અદા શર્માને ‘ધ ગેમ ઓફ ગિરગિટ’ નામની ફિલ્મ મળી છે, જેમાં તે પોલિસની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે પણ મુખ્ય રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ પંડ્યા કરી રહ્યા છે.
આ ફિલ્મ ‘બ્લુ વ્હેલ’ ગેમ પર આધારિત છે, જે એક સમયે ખૂબ વિવાદમાં હતી. આ ગેમને કારણે કેટલાંક બાળકોનાં જીવ પણ ગયા હતા. ધ કેરલ સ્ટોરી ફિલ્મને વિવાદનો લાભ થઈ ચૂક્યો છે. સુદીપ્તો સેન દિગ્દર્શિત આ ફિલ્મ ૧૨મેનાં રોજ ૩૭ દેશોમાં રિલીઝ કરવામાં આવશે એવા સમાચાર જાણવા મળ્યા છે. ખુદ અભિનેત્રી અદા શર્માએ એક પોસ્ટમાં આ માહિતી આપી છે.
ફિલ્મને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં રીલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુધવારે ફિલ્મે વધુ ૧૨ કરોડની કમાણી કરતા કુલ આંક રૂ. ૬૮.૮૬ કરોડે પહોંચ્યો છે.