સમર્પણ ભાવથી સેવા કરી નિજાનંદ કરતા પાલનપુરના હસમુખલાલ ચંદુલાલ ચૌહાણ
સેવાકરવાની ઈચ્છા ધરાવતા અનેક માણસોને પરમપિતા પરમાત્માની અસીમ કૃપાથી કોઈને કોઈ પ્રકારે સ્વયંભુ આગવી પ્રેરણા થતી હોય છે.અનેક લોકોની વિશિષ્ટ પ્રકારની આગવી સેવાને લીધે જ આકાશ થાંભલાઓ વિના પણ ટકી રહેલ છે. પિતા ચંદુલાલ ઉમેદરામ ચૌહાણ અને માતા લક્ષ્મીબેનના પરિવારમાં તારીખ ૩૧-૮-૧૯૫૯ ના રોજ રાજસ્થાનના અતિ પ્રખ્યાત એવા જોધપુર શહેરમાં જન્મેલા અને હાલે પાલનપુર ખાતે રહેતા હસમુખભાઇ ચૌહાણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત કર્મચારી છે અને ખૂબ જ સેવાભાવી છે.પાલનપુરની મુખ્ય બ્રાન્ચ શાળામાં ધોરણ ૭ સુધીનો અભ્યાસ કરીને તેઓ ૧૯-૭-૧૯૮૨ ના રોજ મલાણાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં મેસેન્જર ની પોસ્ટ ઉપર સર્વિસમાં જોડાયા હતા.મેસેન્જરને બેંકમાં ફાઈલીંગ વર્ક તેમજ રેકર્ડ જાળવણીનું કામ કરવાનું હોય છે. તેઓએ મલાણા ઉપરાંત ડીસા,ચંડીસર,જલોત્રા,ડીસા હાઈવે બ્રાન્ચ,પાલનપુર હાઈવે બ્રાન્ચ,લાખણી એમ વિવિધ શાખાઓમાં ખૂબ જ વફાદારીપૂર્વક ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી.છેલ્લે તેઓ તારીખ ૩૧-૮-૨૦૧૯ ના રોજ લાખણી ખાતેથી સીનિયર હેડ મેસેન્જર તરીકે નિવૃત થયા હતા.તેમની સુંદર તેમજ પ્રેરણાદાયી કામગીરીને લીધે દર વર્ષે તેમનો ખાનગી અહેવાલ પણ ખૂબ જ સારો લખાતો હતો.
બેંકમાં સર્વિસ દરમિયાન સમર્પણ ભાવથી સેવા કરવાના સતત તેમને વિચારો આવતા હતા અને તેનો સંપૂર્ણ અમલ પણ તેમણે શરૂ કરી દીધો હતો.નિવૃતિ પછી સંપૂર્ણ ત્યાગની ભાવનાથી તેમણે સેવાકાર્યો થકી પરોપકારની સદપ્રવૃતિઓ વધારી દીધી છે.તેમના પૂજ્ય પિતાજી ચંદુલાલ તેમજ તેમનાં મોટી મા હુલીબેન એમ બેઉ ખૂબ જ સેવાભાવી હતાં.તેઓ પશુપક્ષીઓની ખૂબ જ સેવા કરતાં તેમજ જરૂરિયાતમંદ ભૂખ્યા માણસોને સતત ભોજન કરાવતાં હતાં. આ બેઉના જીવનમાંથી જ હસમુખભાઇના જીવનમાં સેવાના સંસ્કારો ઉતર્યા હતા.પરિવાર,સમાજ કે અન્યજનો માટે ઘણું કામ કર્યું પણ પોતાના ઉજ્જવલ ભવિષ્ય માટે કે આત્માના કલ્યાણ અર્થે કંઈક કરવું જોઈએ તેવા તેમને સતત વિચારો આવતાં જ તેમણે સ્વૈચ્છિક રીતે સહર્ષ સેવાનો પંથ સ્વિકાર કરેલ છે.
તેઓ પાલનપુરની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.પાલનપુરની જનસેવા ગ્રુપ, પ્રભુ સેવા ગ્રુપ, સાંઈનાથ સેવા મંડળ જેવી સંસ્થાઓ સાથે સેવાભાવથી તેઓ જોડાયેલ છે.સેદ્રાણાના મંગલ જીવન ટ્રસ્ટમાં તેઓ સેવા આપે છે.ઉમતાના અપના ઘર તેમજ બાયડના મંદબુધ્ધિ મહિલા ટ્રસ્ટ સાથે તેમનું સેવાકીય કાર્યોથી જોડાણ છે.કાણોદરના કલાનિધિ ફાઉન્ડેશન સાથે તેઓ સંકળાયેલ છે.પાલનપુરમાં દર ગુરૂવારે મહિલા મંડળ ટેલિફોન એક્સચેન્જ પાસે કઢી-ખીચડી સેવા ગ્રુપ ચાલે છે જેમાં ખૂબ જ જરૂરિયાતમંદ ૨૫૦ જેટલા લોકો ખીચડી-કઢીનો પ્રસાદ લે છે.આ સંસ્થા સાથે પણ તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.આ લેખ વાંચી તેમનાં સેવાકીય કાર્યોને બિરદાવવા તેમજ અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૮૧૬૦૭૯૦૦૪૬ છે. તારીખ ૧૫-૫-૧૯૮૫ ના રોજ ખૂબ જ ઓછું ભણેલાં એવાં જોધપુરનાં સોનિયાબેન સાથે લગ્ન કર્યા બાદ તેમના જીવનનાં અનેક સત્કાર્યોમાં તેમનાં ધર્મપત્નીનો અતિશય સહકાર મળેલ છે.
તેમની મોટી દીકરી કવિતાબેન ધોરણ ૯ પાસ છે અને તેમના પતિદેવ પુષ્કરકુમાર ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલ છે.તેમની બીજા નંબરની દીકરી પુષ્પાબેને એમ.એ.કરેલ છે અને તેમના પતિદેવ અંકિતકુમાર ડીસા તાલુકાના કાંટ ખાતે જી.ઈ.બી સબસ્ટેશનમાં ફરજ બજાવે છે.ત્રીજા નંબરની દીકરી અંજલીબેને બી.એસ.સી કરીને એમ.એલ.ટી.નો અભ્યાસ કરેલ છે.તેમને એકેય દીકરો નથી પરંતુ
વૃક્ષો વાવી-વવરાવી તેઓ દીકરાની જેમ
પૂરા ખંતથી ઉછેરે છે.તેમનાં તમામ સત્કાર્યો, પૂન્યકાર્યો, ધર્મકાર્યો, સેવાકાર્યોમાં તેમના પરિવારના સભ્યો ઉપરાંત મહાશંકરભાઈ જોષી, અનીલભાઈ ચક્રવર્તી, મીતાબેન મહેર્શ્વરી, ભાયચંદભાઈપટેલ, જયેશભાઈ સોની,સ્નેહલબેન વિક્રમભાઈ રાવલ, અહમદભાઈ હાડા જેવા કર્મનિષ્ઠ, સેવાનિષ્ઠ લાગણીશીલ મહાનુભાવોનો સતત સાથ સહકાર મળતો રહે છે.હસમુખભાઇ ચૌહાણની સંપૂર્ણ નિસ્વાર્થ સેવા ભાવનાને લીધે તેમનું એક મોટું ચાહક વર્તુળ, શુભેચ્છક વર્તુળ, હિતેચ્છુક વર્તુળ તેમજ મિત્ર વર્તુળ છે.
૨૦૦૯ થી તેઓ સતત વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ બચાવોની સુંદર કામગીરી કરી રહેલ છે.વિવિધ શાળાઓમાં તેમણે જાતે વૃક્ષો વાવીને શિક્ષકો તેમજ વિધાર્થીઓના માધ્યમથી સારી માવજત કરી છે.દર વર્ષે તેઓ વૃક્ષોનું સરકારી નિયમ મુજબ વિતરણ કરીને વૃક્ષપ્રેમીઓ પાસે સતત વૃક્ષો વવડાવે છે. પાલનપુરમાં રખડતા પાગલ માણસોને ઉમતા કે બાયડ જેવા સુરક્ષિત આશ્રમોમાં મોકલીને તેઓ ખૂબ જ દષ્ટિસંપન્ન કાર્ય કરી રહેલ છે.૨૦૧૯ થી સિવિલ હોસ્પિટલ પાલનપુર તેમજ રેલ્વે પોલીસ ચોકીમાં મૃત વ્યકિતઓને કફન પહોંચાડવાનું સર્વોતમ કાર્ય કરે છે.તેમનું વાંચન ખૂબ જ ઓછું છે પણ તેમણે ભગવત ગીતાનો પૂરતો અભ્યાસ કર્યો છે અને તેમાંથી જ તેમને સારાં સત્કાર્યો કરવાની પ્રેરણા મળતી રહે છે.ગુજરાતમાં તેઓ અનેક સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને પાલનપુર,ડીસા અંબાજી વધારે ગમ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તેઓ ફર્યા છે. આ બધામાં તેમને દિલ્હી, હરિદ્વાર, ૠષિકેષ વધારે ગમ્યાં છે.
સેવાકાર્યો માટે તેઓ કયારેય સરકારી મદદ લેતા નથી.તેમનાં સેવાકાર્યોમાં દાતાઓ
નો સહયોગ મળતો રહે છે સાથેસાથે તેઓ તેમનું અંગત ભંડોળ પણ વધારે વાપરે છે.
ગમે તેવા કઠિન સંજોગોમાં પણ ભવિષ્યમાં સતત સેવાકાર્યો ચાલુ રાખી જરૂરિયાતમંદોને ઉપયોગી થવાની તેમની ભાવના કાબિલેદાદ છે. અનેકજનોને ઉપયોગી થવાની ઉદાર ભાવના ધરાવતા હસમુખભાઇનાં સત્કાર્યો,સેવાકાર્યો,જીવનકાર્યો તેમજ પૂન્યકાર્યો માટે કોટિ કોટિ વંદન સહ અભિનંદન તેમજ જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા તેમને નિરામય દીર્ઘાયુ બક્ષે તેવી વિનંતી.હસમુખભાઇ ચૌહાણની સેવાપ્રવૃતિઓમાં ઉતરોતર વધારો થાય તેવી અંતઃકરણથી પ્રભુ પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)ડીસા
મોબાઇલ;૯૮૨૫૬૩૮૬૪૩