નામ બદલતાં શું મળે? દુઃખી રહે દિન રેન ! જયાં સુધી મન પર મેલ છે, નહીં શાંતિ સુખચેન !!
છેલ્લા કેટલાક વર્ષોથી નામ બદલવાની કે જે નામ છેવટે પ્રત્યે ધૃણા પેદા કરવાની ચેષ્ટા થાય છે ત્યારે આપણા અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકમાં એક સરસ વાત આવતી કોઈ વ્યક્તિના મા-બાપે તેનું નામ પાપક રાખી દીધું. મોટા થતાં તો આ નામ તેને ખૂબ ખરાબ લાગવા માંડયું.તેણે પોતાના આચાર્યને પ્રાર્થના કરી કે ભન્તે, મારું નામ બદલી આપો. આ નામ બહુ જ અપ્રિય છે કેમ કે એ અશુભ, અમંગળ અને અપશુકનિ યાળ છે.આચાર્યએ તેને સમજાવ્યું કે નામ તો કેવળ પ્રજ્ઞપ્તિ માટે, એટલે કે ઓળખ માટે, વ્યવહાર જગતમાં હાક મારવા ખાતર જ હોય છે. નામ બદલવાથી કોઈ અર્થ સરતો નથી. કોઈ પાપક નામ રાખીને પણ સત્કર્મોથી ધાર્મિક બની શકે છે અને ધાર્મિક નામ રહે તો પણ દુષ્કર્મોથી પાપી બની શકે છે. મુખ્ય વાત તો કર્મની છે. નામ બદલવાથી શું થશે ?
પરંતુ તે ન માન્યો? આગ્રહ કરતો જ રહ્યો. આખરે આચાર્યએ કહ્યું “અર્થસિદ્ધિ તો કર્મ સુધારવાથી જ થશે,પરંતુ જે તું નામ પણસુધારવા ઈચ્છે છે તો જા,ગામ-નગરના લોકોને જાેઈ લે અને જેનું નામ તને શુભ લાગે તે મને બતાવ. તારું નામ તે પ્રમાણે બદલી નાખવામાં આવશે.’
પાપક સુંદર નામવાળાઓની શોધ માં નીકળી પડયો. ઘરથી બહાર નીકળતાં જ તેને શબયાત્રાના દર્શન થયાં. પૂછ્યું, કોણ મરી ગયું? લોકો એ કહ્યું – જીવક. પાપકે વિચાર્યું, નામ જીવક, પણ મૃત્યુનો શિકાર બની ગયો ? આગળ વધતાં તેણે જાેયું કે કોઈ દીનહીન દુઃખીયારી સ્ત્રીને મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી રહી છે. નામ પૂછ્યું, તો જાણવા મળ્યું – ધનપાલી. પાપક વિચારમાં પડયો, નામ ધનપાલી અને પૈસા પૈસા માટે પરાવલંબી.
ત્યાંથી આગળ વધતાં એક રાહ ભૂલેલા વ્યક્તિને લોકોને રાહ પૂછતાં જાેયો.નામ પૂછતાં કહેવા માં આવ્યું— પંથક. પાપક ફરીથી વિચારમાં પડી ગયો. અરે! પંથક પણ પંથ પૂછે છે, પંથ ભૂલે છે!
પાપક પાછો ફર્યો. હવે નામ પ્રત્યે તેનું આકર્ષણ કે અનાકર્ષણ દૂર થઈ ચૂકયું હતું. વાત સમજમાં આવી ગઈ. શું પડયું છે નામમાં ? જીવક પણ મરે છે અને અજીવક પણ. ધનપાલી પણ દરિદ્ર હોય છે અધનપાલી પણ. પંથક પણ રાહ ભૂલે છે અને અપથંક પણ. સાચે જ નામની મહત્તા નિરર્થક છે, નકામી છે.જન્મથી અંધ અને નામ નયનસુખ. જન્મથી દુઃખી અને નામ સદાસુખ. ભલે રહ્યું પાપક નામ, મારું શું બગડે છે? હું મારાં કર્મ સુધારીશ. કર્મ જ પ્રમુખ છે, કર્મ જ પ્રધાન છે.
જે વાત વ્યક્તિના નામ પર લાગુ થાય છે, તે જ સંપ્રદાયના નામ પર પણ. ન બૌદ્ધ સંપ્રદાયના સહુ લોકો બોધિસંપન્ન હોય છે અને ન જૈન સંપ્રદાયના સહુ આત્મજીત. ન બ્રાહ્મણ સંપ્રદાયના સહુ બ્રહ્મ વિહારી હોય છે અને ન ઈસ્લામના સહુ સમર્પિત અને શાંત. જેમ દરેક વ્યક્તિમાં ભલાઈ-બુરાઈ બંને હોય છે, તેમ દરેક સંપ્રદાયમાં સારાં નરસાં લોકો હોય છે. કોઈ પણ સંપ્રદાયના ન તો બધાં લોકો સારાં હોઈ શકે છે, ન બધાં નરસાં. પરંતુ સાંપ્રદાયિક આસક્તિને કારણે આપણે આપણા સંપ્રદાય નાં દરેક વ્યક્તિને સજજન અને પરાયા સંપ્રદાયના દરેક વ્યક્તિને દુર્જન માનવા લાગીએ છીએ. બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી કે મુસ્લિમ કહેવરાવવા માત્રથી ન કોઈ વ્યક્તિ સજ્જન બની જાય છે, ન દુર્જન. બૌદ્ધ કહેવરાવનાર વ્યક્તિ પરમ પુણ્યવાન પણ હોઈ શકે છે અને નિતાંત પાપી પણ. આ વાત સર્વ સંપ્રદાયો પર સમાનરૂપે લાગુ પડે છે.જેવી રીતે વ્યક્તિની ઓળખાણ માટે તેને કોઈ નામ દેવામાં આવે છે,
તેવી જ રીતે કોઈ સમુદાયની આળખાણ માટે પણ. આ નામો સાથે ગુણોનો કોઈ સંબંધ નથી. તેલથી ભરેલા પીપ પર શુદ્ધ ઘીનું લેબલ લગાવ્યા પછી પણ તેલ, તેલ જ રહે છે, શુદ્ધ ઘી નથી બની જતું. કોઈ સુંદર વ્યક્તિનું નામ કુરૂપ રાખી દઈએ તો તે કુરૂપ અને કોઈ કુરૂપને સુંદર કહેવા લાગીએ તો તે સુંદર નથી બની જતી. ફૂલને કાંટો અથવા કાંટાને ફૂલ કહેવા લાગીએ તો પણ ફૂલ-ફૂલ જ રહે છે, કાંટો- કાંટો જ.કોઈ વ્યક્તિ હોય તો રંક, પણ નામ હોય રાજન્, આવી વ્યક્તિ જયાં સુધી એ તથ્યને સમજે છે કે આ રાજન્ નામ કેવળ સંબોધન માટે છે, વાસ્તવમાં હું રેંક છું, ત્યાં સુધી તે હોશમાં છે. પરંતુ જે દિવસે તે આ નામનો દંભ માથે ચઢાવીને, રંક હોવા છતાં પણ, પણ પોતાને રાવ-રાજા માનવા લાગે અને અન્ય સહુને પોતાનાથી ઉતરતી કક્ષાના માનવા લાગે તો તે પ્રમત્ત વ્યક્તિ, લોકોના ઉપહાસનું પાત્ર બની જાય છે.
પરંતુ જયાં રાજન્ નામના હજારો- લાખો રંક હોય અને એ બધા સંગઠિત થઈને પોતપોતાને રાવ રાજા માનવા લાગે તથા અન્ય સર્વ લોકોને ઉતરતી કક્ષાના માનવા લાગે તો પાગલોનું આવો સમૂહ કેવળ ઉપહાસાસ્પદ જ નહીં, બલ્કે સમગ્ર સમાજ માટે ખતરાનું કારણ બની જાય છે. બરાબર આવી જ દશા આપણી થઈ જાય છે, જયારે આપણે જાતીયતા, સાંપ્રદાયિકતા કે રાષ્ટ્રી યતાનો નશો ચઢાવી પ્રમત્ત થઈ ઊઠીએ છીએ અને પોતાને અન્યો થી શ્રેષ્ઠ માની તેઓને ઘૃણાની દ્રષ્ટિથી જાેવા લાગીએ છીએ. આવી અવસ્થામાં આપણે પણ સમાજ માટે ખતરાનું તેમજ તેની અશાંતિ નું કારણ બની જઈએ છીએ. સુખશાંતિ ખોઇને સાચા ધર્મથી દુર થતા જઈએ છીએ.
વાચક ચાહક મિત્રો આપણે અધિક શ્રાવણ માસમાં અનોખી ચિંતન મનન કરાવે તેવી કેટલીક વાત રજૂ કરીએ છીએ. ટામેટાં બસો ને લસણ ભલેને ત્રણ સોમાં મળે મારે શું? બસ મારે શું અને મારું શું ની વિહવળતા માનવીને દુખી કરી રહી છે. એમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવવા પ્રયત્ન કરીએ.
યશપાલસિંહ ટી વાઘેલા
શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા