ધર્મકાર્ય,સમાજકાર્ય,સેવાકાર્યના માધ્યમથી પૂન્યશાળી જીંદગી જીવીને અલવિદા થયેલ ભાભર/ડીસાના હરિભાઈ મણીલાલ ઠકકર/ગોકલાણી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરનાર દરેક વ્યકિતને પરમાત્માએ કોઈને કોઈ શુભ કાર્ય કરવાના ઉચ્ચ તેમજ સારા હેતુથી જ મોકલેલ છે.માંડ થોડાક માણસો જ જીવન જીવી જાણે છે અને મોટા ભાગના માણસો જીવન જીવી નાખે છે.જીવન જીવી જાણનારનું સ્મરણ હરહંમેશાં રહે છે.પિતા મણીલાલ દલપતરામ ઠકકર/ગોકલાણી અને માતા જીજીબેનના પરિવારમાં વારાહી ખાતે તારીખ ૧-૧૨-૧૯૩૯ ના રોજ જન્મેલા હરિભાઈ ઠકકર ખૂબ જ ધર્મપ્રેમી,કર્મપ્રેમી અને સેવાભાવી હતા.

જૂના સમયમાં ફાયનલ પાસનું એક આગવું મહત્વ હતું.ફાયનલ પાસ કરેલ વ્યકિત સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ શ્રેષ્ઠ અને હોંશિયાર ગણાતી.જૂના સમયમાં ફાયનલ પાસના આધારે સરકારમાં પણ નોકરી મળતી હતી.હરિભાઈ ઠક્કરે ૧૯૫૪ માં ફાયનલ પરિક્ષા પાસ કરી હતી.તેમના એક ભાઈ હસમુખભાઇ શિક્ષક તરીકે નિવૃત થયેલ છે.તેમની બહેનો તારાબેન તેમજ પ્રભાબેનનાં પરિવારો સારી રીતે સેટ થયેલ છે. હરિભાઈ ખૂબ જ નિયમિત, નિષ્ઠાવાન, નિખાલસ, નીડર, નિરાભિમાની, નિર્દોષ,નિર્લેપ,નિજાનંદી,નિર્વિવાદ વ્યકિતત્વના માલિક હતા. વિશ્વમાં જન્મેલો પ્રત્યેક લોહાણો કે રઘુવંશી સમજદાર,સાહસિક,સંઘર્ષશીલ અને નાનાંમોટાં સંકટોથી ઘેરાયેલો હોય જ.આ તમામ મુશ્કેલીઓ સામે બાથ ભીડીને પણ

સફળતાપૂર્વક જીંદગી જીવે અને પોતાની કમાણીમાંથી મોટા ભાગનું દયા,દાન,દાતારી પાછળ દિલાવર બનીને ખર્ચી નાખે એજ સાચો રઘુવંશી.

હરિભાઈ ઠક્કરને પણ જીવનમાં સંઘર્ષ તો રહ્યો જ; છતાં ગમે તેવી તકલીફો સહન કરીને પણ પોતાનાં બાળકોને ભણાવ્યાં.તેમની સમજણ ખૂબ જ ઉંચી હોવાથી તેઓ જીવનને ખૂબ જ સારી રીતે જીવી શકયા. તેમની ચારેય દીકરીઓ માયાબેન, અલકાબેન, તૃપ્તિબેન, ગાયત્રીબેન તેમજ દીકરો ડો.મોહિતભાઈ સહિત સૌ તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે. હરિભાઈ ૧૯૫૭ થી ૧૯૬૪ સુધી અમદાવાદ ખાતે તેમના કાકાની દુકાને બેસતા હતા અને સારી રીતે વૈપારિક કામકાજ શીખ્યા હતા.૧૯૬૪ થી ૨૦૦૧ સુધી તેમણે ભાભર ખાતે શ્રી દેવરામભાઈ મગનલાલ ઠક્કરની માર્કેટ યાર્ડ ખાતેની પેઢીને વધારે સંગીન તેમજ મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.હરિભાઈ જ્યાં પણ હોય ત્યાં ખૂબ જ વફાદારી,નિષ્ઠા,સચ્ચાઈ,પ્રમાણિકતા અને નીતિમતાથી જ કામગીરી કરતા હતા.

તેઓ જે પેઢીમાં હોય તેને પણ ફાયદો થતો હતો અને પેઢી સારી પ્રગતિ કરતી હતી.ભાભર નગર પંચાયતમાં તેઓએ સભ્ય તરીકે રહી નગરની સેવા કરી હતી.ભાભર માર્કેટ યાર્ડના તેઓ ખૂબ જાગૃત,સક્ષમ અને સક્રિય સભ્ય હતા. એમ કહેવાય છે કે ભાભર અને વારાહીમાં જન્મેલી કે રહેલી વ્યકિત દુનિયાના કોઈ પણ ખૂણે જાય તો ક્યાંય ડરે નહીં અને પાછી પણ ના પડે.હરિભાઈએ પોતાના સરસ,સહજ,સરળ અને સાલસ સ્વભાવને લીધે ભાભર તેમજ ડીસામાં પણ એક ખૂબ જ સારૂ મિત્રવર્તુળ ,ચાહક વર્તુળ તેમજ શુભેચ્છક વર્તુળ ઉભું કર્યું હતું.હરિભાઈનાં ધર્મપત્ની જયાબેન તારીખ ૨૧-૧૨-૨૦૧૬ ના રોજ પરમપિતા પરમાત્માને પ્યારાં થયાં હતાં. વારાહી જેવા

દિવ્ય,ભવ્ય,પવિત્ર,પ્રાચીન તેમજ ઐતિહાસિક નગરમાં રઘુવંશી લોહાણા સમાજની વિવિધ અટક/નુખના કુળદેવી/કુળદેવતાઓનાં સુંદર મંદિરો નિર્માણ થયેલ છે.લોહાણાઓ માટે વારાહી નગરી પવિત્ર કાશીતીર્થ સમાન છે. ગોકલાણી-સેજપાલ પરિવારના કુળદેવતાઓ ક્ષેત્રપાલદાદા,ત્રિવિક્રમરાયજીદાદા,હનુમાનદાદા,કુળદેવી મા નાગણેચી માતા તેમજ જયોત માતાનું ભવ્ય મંદિર વારાહીમાં નિર્માણ પામેલ છે.આ મંદિરના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી તેની વાજતેગાજતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય પ્રાણપ્રતિષ્ઠા થાય તે માટે માનનીય શ્રી હરિભાઈએ પ્રમુખ તરીકે મહત્વની સમર્પિત ભૂમિકા ભજવી હતી.ગોકલાણી-સેજપાલ પરિવારના વારાહી ખાતેના મંદિરમાં હરિભાઈએ ઓગણીસ વર્ષ સુધી પ્રમુખ તરીકેની એકધારી સેવા આપી મંદિરનો સુચારૂ વહીવટ અને વિકાસ કર્યો હતો. તેમણે સૌને સારી રીતે માનપાનથી સાચવ્યા હતા.તેઓ જ્યારે પ્રમુખ તરીકે મુક્ત થયા ત્યારે ગોકલાણી-સેજપાલ પરિવારે તેમનું આન-બાન-શાનથી દબદબાભેર ગૌરવશાળી સન્માન કરી તેમના કામની જબરજસ્ત કદર કરી હતી.

સામાન્ય રીતે એમ કહેવાય કે રાવણના શ્રાપને લીધે લોહાણાઓ કે રઘુવંશીઓને એક કરવા કે સંગઠિત રાખવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે.એમાંયે ખૂબ જ તેજસ્વી પ્રતિભા, લડાયક મિજાજ, અદભૂત પ્રતિકાર શકિત, બેમિસાલ તર્કશકિત, દિલના દાતાર, અજોડ પ્રતિભાવ શકિત તેમજ વકીલાતમાં હોંશિયાર કહી શકાય તેવા સિંહો જેવા ગોકલાણીઓને એક તાંતણે બાંધી રાખીને સરસ મજાનું કુળદેવતા-દેવી મંદિર બનવરાવીને ગોકલાણી-સેજપાલ પરિવારને અર્પણ કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરાવવા બદલ હરિભાઈ ઠકકરને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે.

આ મંદિરના નિર્માણમાં વિનોદભાઈ ગોકલાણી,હરિભાઈ તેજાભાઈ ઠકકર,ચંદુભાઈ ચોક્સી,એ.ડી.રામ સહિત અનેક સમર્પિત સેવકોની સેવા પણ અવશ્ય નોંધપાત્ર અને વંદનીય છે.સમગ્ર ગોકલાણી-સેજપાલ પરિવાર આજીવન હરિભાઈનો ૠણી રહેશે. હરિભાઈ ગોકલાણીના દેહાવસાન વખતે ડીસાના એમના નિવાસસ્થાને ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો,પરિચિતોએ એકઠા થઈ તેમને દિવ્ય શ્રધ્ધાંજલિ-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

હરિભાઈના દીકરા ડો.મોહિતભાઈ ઠકકર મોબાઇલ નંબર ૭૮૭૪૪૯૭૯૯૯ પણ ખૂબ જ નિખાલસ,સરળ,સેવાભાવી,માયાળુ,લાગણીશીલ અને ગરીબોના બેલી હોવાથી ડીસામાં તેમનું ખૂબ જ સારૂ નામ,પ્રતિષ્ઠા અને મિત્રવર્તુળ છે. હરિભાઈનાં પુત્રવધુ નિકિતાબેને પણ પરિવારની ખૂબ જ સારી સેવા કરેલ છે.રૂપ, રૂપિયો અને રજવાડું કોઈનું રહ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈનું રહેવાનું નથી પણ હરિભાઈની જેમ કરેલ સેવાની સુગંધ હજારો કિલોમીટર સુધી ફેલાય છે તેમજ તેનું આજીવન સ્મરણ પણ રહે છે.આ પૃથ્વી ઉપર કરોડો માણસો જન્મે છે,જીવે છે અને વિદાય લે છે પણ થોડાક જ માણસો હરિભાઈ જેવું સેવાભાવી,નિખાલસ,ધાર્મિક અને પરોપકારી જીવન જીવે છે.હરિભાઈના બેસણા/દશામાં પણ અનેક માણસોએ હાજરી આપી હતી.આ સમયે ગોકલાણી-સેજપાલ પરિવાર વારાહી મંદિરના નવા વરાયેલા ખૂબ જ નિખાલસ,સ્પષ્ટ વકતા અને ઉત્સાહી પ્રમુખ એવા ધીરૂભાઈ રઘુરામભાઈ ઠકકર, કર્મઠ-સજાગ મંત્રી અમરતલાલ દેવચંદભાઈ ઠક્કર (એ.ડી.રામ),અગ્રણીઓ-સેવકો ગુણવંતભાઈ જીનવાળા, હરિભાઈ તેજાભાઈ ઠકકર, ચંદુભાઈ ચોક્સી, ત્રિભોવનદાસ ગોકલાણી, શંભુભાઈ તેજાભાઈ ઠકકર, ભગવાનભાઈ બંધુ, ભરતભાઈ હિંમતલાલ ઠકકર, વી.એચ.ઠકકર સહિત ઉપસ્થિત ગોકલાણી-સેજપાલ પરિવારના સૌ ભાઈઓએ સાથે મળી હરિભાઈના ભાઈ હસમુખભાઇ તેમજ સુપુત્ર ડો.મોહિતભાઈ ઠક્કરને શોક સંદેશો-શ્રધ્ધાંજલી પત્ર આપ્યો ત્યારે હરિભાઈના

ભરપૂર ગુણાનુવાદ કરી હરિભાઈના સ્વભાવ અને સત્કાર્યોનું વિશેષ સ્મરણ કર્યું હતું.
હરિભાઈ ૨૦૦૮ એટલે કે છેલ્લા ૧૪ વર્ષથી તેમના દીકરા ડો.મોહિતભાઈ ઠકકર ડીસામાં ગાયનેક ડોક્ટર હોવાથી તેમની સાથે જ રહેતા હતા.ડીસામાં પણ તેઓ દરેક સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા.તેમના આનંદી,પરમાનંદી,નિજાનંદી સ્વભાવને લીધે ઉંમરના પ્રમાણમાં તેમની તંદુરસ્તી પણ ઘણી સારી હતી.તેમણે તારીખ ૫-૧૦-૨૦૨૨ બુધવાર દશેરાના અતિ પવિત્ર દિવસે જીવનને મુક્ત કરી મોતને વ્હાલું કર્યું અને આ ફાની દુનિયા છોડી પરમપિતા પરમાત્માની ગોદમાં સદાયને માટે સૂઈ ગયા.

જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા હરિભાઈના દિવ્ય અને પવિત્ર આત્માને ચિરશાંતિ આપે તેમજ પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની મજબૂત શકિત આપે તેવી દિવ્ય પ્રાર્થના સાથે તેમનાં ધર્મકાર્યો, પૂન્યકાર્યો, સત્કાર્યો, સમાજકાર્યોને કોટિ કોટિ વંદન સાથે હરિભાઈને દિવ્ય શ્રધ્ધાંજલિ,સ્મરાંણાજલિ,આદરાંજલિ,પુષ્પાંજલિ….

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.