ગૌસેવાના દિવ્ય માધ્યમ થકી નિજાનંદી જીંદગી જીવતા મકતુપુર/ડીસાના સેવાભાવી કાર્યકર વિનોદભાઈ પટેલ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ ખાસ કિસ્સા તરીકે અમુક માણસોને આ પૃથ્વી ઉપર મોકલીને સેવાક્ષેત્રને વિશેષ પ્રગતિશીલ બનાવ્યું છે.સ્વાર્થથી ભરેલા આ જગતમાં અમુક એવા નિસ્વાર્થ માણસો પણ છે કે જેના લીધે આકાશ થાંભલા વિના ટકી રહ્યું છે.પિતા જાેઈતારામ પીતાંબરદાસ પટેલ અને માતા લાડુબેનના પરિવારમાં ઉંઝા તાલુકાના મકતુપુર ખાતે તારીખ ૧૬-૧૦-૧૯૬૩ ના રોજ જન્મેલા વિનોદભાઈ પટેલના જીવનમાં ગૌસેવા કેન્દ્રસ્થાને છે.તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મકતુપુર ખાતે પૂર્ણ કરી આઈ.ટી.આઈ.નો અભ્યાસ ગાંધીધામ ખાતે કર્યો હતો.શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ૧૯૮૩ માં તેમણે જી.ઈ.બી.ધાનેરા ઇલેક્ટ્રિશિયન તરીકે ચાર મહિના ફરજ બજાવી હતી.એ પછી એમની ધંધાકીય સફર ડીસા ખાતેથી શરૂ થઈ હતી.ડીસા ખાતે રોડનાં નાળાં બનાવવાનું એક વર્ષ કામ કર્યું બાદમાં બે વર્ષ ઉંઝા ખાતે વિનોદ ટ્રેલરમાં ટેન્કર તેમજ ટ્રેક્ટરની ટોલી બનાવવાની કામગીરી કરી.૧૯૮૭-૮૮ માં સતલાસણા પાસેના ધાણાવાસ ખાતે કપચીની કવોરીનું કામ કર્યું.આ પછી ડીસા ગંજમાં છ મહિના દુકાન કરી.૧૯૮૯ માં જી.આઈ.ડી.સી. ડીસા ખાતે સિમેન્ટના બ્લોક બનાવવાની કામગીરી કરી જે આજ દિન સુધી ચાલુ છે.આ સાથે કન્સ્ટ્રકશનની કામગીરી પણ ચાલુ રાખી.જી.આઈ.ડી.સી.ની કામગીરી દરમિયાન જે તે સમયે તેઓ સીતારામ ગૌશાળાના અગ્રિમ સેવક જલારામ રેડીમેડવાળા ગૌતમભાઈ ઠકકરના સંપર્કમાં આવ્યા અને ધીરે ધીરે ગૌસેવાની જબરજસ્ત લગની લાગી.૨૦૦૮ થી તેઓ સતત જલિયાણ ગૌશાળા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.
૨૦૦૩-૦૪ના ગાળામાં નવસારી ખાતે આદરણીય મફતભાઈ પુરોહિતની ભાગીદારીમાં કોલ્ડ સ્ટોરેજ કર્યુ હતું.૨૦૦૬ માં સૂરત ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડના મશીનની કામગીરી કરી.આ સમયગાળામાં તેઓ ડીસાથી પાટણ અપડાઉન કરતા હતા.૨૦૧૧ માં તેઓ ડીસાના પરમ ગૌભકત પ્રવિણભાઈ શાહના સંપર્કમાં આવ્યા.૨૦૧૧ થી તેઓ ડીસા ખાતે રેગ્યુલર રહેવા લાગ્યા અને શ્રી જલિયાણ ગૌશાળાની સેવામાં નિયમિત જાેડાયા.આજે તો ગૌસેવા એ એમનો નિત્યક્રમ બની ચૂક્યો છે.કોઈ પણ પ્રકારના હોદા કે ટ્રસ્ટીપદની અપેક્ષા સિવાય નિસ્વાર્થભાવે સતત ગૌસેવા કરતા વિનોદભાઈ પટેલને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૬૦૧૨૬૩૧૪૮ છે.તેમના એક ભાઈ ત્રિભોવનભાઈ પટેલ(ટી.જે.) પાટણ ખાતે રહે છે જેમની ડીસા લાયન્સ કલબમાં સરાહનીય સેવા રહી છે જ્યારે બીજા ભાઈ અમૃતભાઈ નાસિક રહે છે.તેમનાં બહેન મંગુબેન ઉંઝા ખાતે રહે છે.તેમનાં ધર્મપત્ની વિમળાબેન કે જે ધોરણ સાત પાસ છે પરંતુ પરિવારની સાચવણી અને પ્રગતિ માટે તેમનું મહત્વનું યોગદાન છે.
તેમનો દીકરો તેજસ સીવીલ એન્જિનિયર છે જ્યારે પુત્રવધુ હીમાંશીએ બી.કોમ.કરેલ છે અને હાલ બેઉ મુંબઈ રહે છે.તેમની દીકરી મીતલે એમ.એ.,બી.એડ. કરેલ છે અને જમાઈરાજ નરેશકુમાર પણ ઉચ્ચ શિક્ષણ પામેલ છે તેમજ સૂરત ટેક્ષટાઇલ માર્કેટમાં છે.૪૨ લેઉવા પાટીદાર સમાજ બનાસકાંઠાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા વિનોદભાઈ ડીસા સમસ્ત પાટીદાર સમાજના ઉપપ્રમુખ છે.ડીસામાં અંદાજે ૭૦૦ જેટલાં પાટીદાર પરિવારો રહે છે જેના વર્તમાન પ્રમુખ ખૂબ જ નિખાલસ અને નિષ્ઠાવાન એવા મણીભાઈ ચોક્સી છે.નાનપણમાં અનેક નવલકથાઓ વાંચનાર વિનોદભાઈને હાલમાં ભગવતગીતાનું વાંચન વધારે છે.ગુજરાતમાં તેઓ અનેક સ્થળોએ ફર્યા છે પણ સૌથી વધારે તેમને બટાટાનગરી ડીસા જ ગમે છે.હરિદ્વાર, ૠષિકેષ, યમનોત્રી, ગંગોત્રી,બદ્રીનાથ, કેદારનાથ, ઉજ્જૈન, અયોધ્યા,કાશી સહિત ભારતમાં વિવિધ સ્થળોએ તેઓ ફર્યા છે પણ આ બધામાં ચારધામ-હિમાલયની યાત્રા તેમને વધારે ગમે છે.ભવિષ્યમાં વિદેશયાત્રા કરવાનું પણ આયોજન છે.ડીસાના જાગૃતિ ટ્રસ્ટમાં બાંધકામને લગતી નિસ્વાર્થ સેવા તેઓ આપે છે અને અશ્ર્‌વિનભાઈ પરમાર તેમના ખાસ મિત્ર છે.ગૌશાળાના કામકાજના લીધે તેઓ ભરતભાઈ ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,ઈશ્ર્‌વરભાઈ પ્રજાપતિ,મદનભાઈ સોની,પ્રવિણભાઈ શાહ સહિત સૌના સંપર્કમાં રહે છે.
કોઈ પણ પ્રકારની જાહેરાત સિવાય તેમની આવકમાંથી તેઓ ખૂબ જ સારી રકમ ગૌમાતાઓ માટે વાપરે છે.ભૂતકાળમાં ધંધાકીય નિષ્ફળતા મળેલ ત્યારે પણ પરમાત્મા,કુદરત અને ગૌમાતા ઉપર ભરોસો રાખી મહેનત ચાલુ રાખતાં ફરીથી સ્થિતિ સુધરી હતી તેનું સ્મરણ તેમને કયારેક થાય છે.કથાકાર વિક્રમપ્રસાદ શાસ્ત્રીજી રૈયાવાળાને સાંભળવા તેમને ગમે છે અને તેઓ સતત તેમના સંપર્કમાં રહે છે.મકતુપુર ખાતેના બ્રહ્માણી માતાજી મંદિર, ઐઠોર ગણપતિજી મંદિર તેમજ ઉંઝા ઉમિયા માતાજી મંદિરમાં તેઓ વિશેષ શ્રધ્ધા ધરાવે છે અને વારંવાર દર્શનાર્થે પણ જાય છે.
૪૨ ગામ લેઉવા પાટીદાર સમાજમાં વાલમ,મહેસાણા,ડોડીવાડા અને પાટણ આજુબાજુનાં ગામો આવે છે તેમાં તેઓ સક્રિય રહી સતત સૌ આગેવાનોના સંપર્કમાં રહે છે.હાલે પાટણ હાઈવે ડીસા ખાતે રાધેક્રિશ્ર્‌ન સોસાયટીમાં તેઓ રહે છે અને નિયમિત જલીયાણ ગૌશાળા સાથે સંપર્કમાં રહી કન્સ્ટ્રકશન તેમજ ફંડફાળાને લગતી કામગીરીમાં ઉપયોગી થાય છે.જલીયાણ ગૌશાળા ડીસાની નવીન જગ્યા કાંટ ખાતે શરૂ થઈ રહી છે ત્યારે વિનોદભાઈ પટેલનું સતત માર્ગદર્શન વિશેષ ઉપયોગી છે. સમગ્ર જીવન ગૌમાતા,ગૌદર્શન,ગૌશાળા અને ગૌસેવા માટે સમર્પિત કરનાર તેમજ ઓછું બોલીને વધુ કામ કરનાર વિનોદભાઈ પટેલ એક મળવા જેવા અને માણવા જેવા માણસ છે.ગૌસેવાના દિવ્ય માધ્યમથી અતિ નિજાનંદી જીંદગી જીવતા વિનોદભાઈ પટેલને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન..કોટિ કોટિ વંદન તેમજ તેમના નિરામય દીર્ઘાયુ માટે પણ અઢળક શુભેચ્છાઓ…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
મોબાઇલ ઃ ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.