સિંગતેલના ડબ્બાનો ભાવ ૩૧૪૦ને પાર પહોંચ્યો

Business
Business

અમદાવાદ, ગુજરાતમાં હવે તહેવારનો માહોલ છે. રાજ્યમાં ૩.૫૦ કરોડ ગરીબો છે ત્યાં તેલિયા રાજાઓ આ ગુજરાતીઓનું તેલ કાઢી રહ્યાં છે. ગુજરાતમાં મગફળીની મબલક આવક સામે ખેડૂતોને પાકના ભાવ મળી રહયાં નથી પણ તેલિયા રાજાઓ બેફામ તેલના ભાવ વધારી રહ્યાં છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. સસ્તી મગફળી વચ્ચે તેલના ભાવ કેમ ઉંચકાય એ ગણિત ઘણાને ગળે ઉતરી રહ્યું નથી. સ્ટોક કરીને તેલિયા રાજાઓ અછત બતાવી ગુજરાતીઓનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

ગુજરાતમાં પાકતી મગફળીના સિંગતેલનો ભાવ સતત વધી રહ્યો છે. ખેડૂતોને ઉંચા ભાવ મળવાના કારણે પડતર વધતાં સિંગતેલના ભાવ વધવાના ગણિતો સમજાય પણ ખેડૂતોને ટેકાના ભાવથી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે અને સિંગતેલના ભાવ વધે એ કાળાબજારી છે. સરકાર આ બાબતને સારી રીતે જાણતી હોવા છતાં પણ આ મામલે ચૂપકીદી સાધી લેવાની સાથે તેલિયા રાજાઓને ખુલ્લેઆમ પરવાનો આપી દીધો છે.

મગફળીની અછતના કારણે સિંગતેલના ભાવ ફરી વધ્યા છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલના ભાવમાં ફરીથી ૨૦ રૂપિયાનો વધારો થયો છે. આમ, ૫ દિવસમાં સિંગતેલના ભાવમાં ૨૦૦ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. આ કારણે રાજકોટ તેલ બજારના લેટેસ્ટ ભાવ અનુસાર, સિંગતેલનો ડબ્બો ભાવ ૩૧૪૦ને પાર પહોંચ્યો છે. સિંગતેલના વધતા ભાવ પરSOMA દ્વારા જણાવાયું કે, મગફળીની અછતના કારણે પીલાણમાં નથી આવતી. આ વર્ષે મગફળીના વાવેતરમાં ઘટાડો થયો છે. ઉત્પાદનની સામે માંગમાં વધારો થતા સિંગતેલના ભાવ વધ્યા છે.
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં જ સિંગતેલના ભાવોમાં બેફામ વધારો શરૂ થતાં લોકો ચિંતામાં છે. આ તહેવારના સમયમાં ખાદ્યતેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે.

જેના પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થશે. લોકો ગરીબીમાં પિસાઈ રહ્યાં છે અને કાળાબજારીયાઓ તેનો બેફામ ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેલના સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૩૧૪૦ રૂપિયાને પાર થઈ ગયો છે. જાણકારોના મતે હજુ બીજા સો રૂપિયાના વધારાની ગણતરી છે. ગુજરાતમાં મગફળીની આવક સારા પ્રમાણમાં છે અને નવી સિઝનમાં પણ મગફળીના વાવેતરમાં સુધારો થયો છતાં ભાવ વધી રહ્યા છે એ લોકોને સમજાતું નથી. સરકારનો કોઈ અંકુશ ન હોવાથી તેલીયા રાજાઓ સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરી રહ્યા છે.

રાજ્યમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકો પગારમાં માંડ પૂરું કરી રહ્યાં છે ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના તો ભાવ કાબુ બહાર જ છે અને હવે ખાદ્યતેલના ભાવ પણ કાબુ બહાર જઈ રહ્યા છે. આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં લોકોને સિંગતેલ ખાવું દોહ્યલું બની જશે. ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થતો પાક અને જે પાકની આપણે નિકાસ કરી રહ્યાં છે એ મગફળીનું તેલ ગુજરાતીઓના નસીબમાં ના હોય એનાથી બીજી બલિહારી કઈ હોઈ શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.