
ડીસામાં પૂર્વ મુખ્યમંત્રીના જમીન કૌભાંડ મુદ્દે આપનું આવેદનપત્ર
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૧૦ હજાર કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમાં આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના નેતાઓએ કરેલા કૌભાંડ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો અને આપના તમામ કાર્યકરોએ ભેગા થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પૂર્વ ન્યાયાધીશની આગેવાનીમાં સીટની રચના કરી તટસ્થ તપાસ કરવાની માગ કરી છે. આ અંગે આમ આદમી પાર્ટીના ઉતર ગુજરાત ઝોનના પ્રભારી ડૉ. રમેશ પટેલ અને ડીસા નગરસેવક વિજય દવેએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ એટલા બધા કૌભાંડ કર્યા છે કે, હવે ગરવી ગુજરાતને બદલે કૌભાંડી ગુજરાત તરીકે ઓળખાવા લાગ્યું છે. ત્યારે વિજય રૂપાણીએ કરેલા જમીન કૌભાંડને બહાર લાવવા માટે પૂર્વ ન્યાયાધીશની આગેવાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તટસ્થ તપાસ થવી જાેઈએ અને જે રીતે વિપક્ષના લોકોએ કૌભાંડ ન કર્યું હોય તેમ છતાં પણ જેલમાં પુરી દેવાય છે. તેને બદલે કૌભાંડ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને કૌભાંડી ગુજરાતને બદલે ફરીથી ગરવી ગુજરાત તરીકે ઓળખાય તેવી રજૂઆત કરી છે.