નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના લાખો રૂપિયાનો વેડફાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના બિસ્માર રસ્તાઓનું મુખ્યમંત્રી આવવાના હોવાથી ફરીથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. જોકે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે ઉતાવળથી આ રસ્તાઓનું સમારકામ થતું હોવાથી તુરંત જ તૂટી જાય છે અને લાખો રૂપિયાનો ધુમાડો થાય છે તેમજ લોકોને પણ ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે. ડીસાના એલિવેટેડ બ્રિજની બાજુમાં રાજમંદિર સિનેમાથી આગળ હિંગળાજ પંપથી લઇ પ્રાઈમ હોટલ સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવ બિસ્માર હાલતમાં છે. આ રસ્તાનું અગાઉ ત્રણથી ચાર વખત સમારકામ કરવામાં આવ્યું છે. જોકે રસ્તો એક ચોમાસુ પણ ટકતો નથી અને સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ જાય તે રીતે સમારકામ કરી નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના લાખો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે.

થોડા સમય અગાઉ જ સમારકામ કરેલો રસ્તો: હાલમાં સાવ બિસ્માર બની જતા ડીસામાં મુખ્યમંત્રી પધારવાના હોવાથી તાત્કાલિક ધોરણે પેવરિંગ કરવામાં આવી રહ્યો છે. જોકે હાઇવે ઓથોરિટી દ્વારા અગાઉની જેમ જ હાલમાં પણ ખૂબ જ ઉતાવળે અને સાવ ગુણવત્તા વગરનું કામ ચાલી રહ્યું હોવાથી આ રસ્તો કેટલો સમય ટકશે તે કહેવું પણ મુશ્કેલ છે. અગાઉ ચારથી પાંચ વખત રીપેરીંગ કરેલો રસ્તો ટૂંકજ સમયમાં તૂટી જતો હોવાથી તેટલા ભાગમાં આરસીસી રોડ બનાવી મજબૂતાઈ કરવા અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ નાયબ કલેક્ટરને જણાવ્યું હતું.

જોકે હવે મુખ્યમંત્રી ડીસા આવવાના હોવાથી: આરસીસી રોડ કર્યા વગર જ તાત્કાલિક માત્ર હલકી ગુણવત્તાનો પતળો ડામર રોડ બનાવી કામગીરીથી સંતોષ માનવાનો હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ રસ્તો ફરીથી સમારકામ થયા બાદ પણ કેટલો ટાઈમ ટકશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.ડીસામાં પ્રાઈમ હોટેલ આગળનો રસ્તો બનાવવા છતાં વારંવાર તૂટી જાય છે આ રસ્તો જ્યારે બનતો હતો ત્યારે પણ ધારાસભ્ય અને નાયબ કલેક્ટરે સ્થળ મુલાકાત કરી સારો માર્ગ બનાવવા માટે અધિકારીઓને કહ્યું હતું. તેમ છતાં પણ અધિકારીઓએ યોગ્ય કામ ન કરતા ફરી રસ્તો તૂટી ગયો છે. ત્યારે આવા અધિકારીઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.