બનાસ નદીના પુલ પર ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નજીક આવેલા બનાસ નદીના પુલ પર બપોર સુમારે ભારે ટ્રાફિક જામ થતાં કલાકો સુધી વાહનચાલકો અટવાઇ ગયા હતા. બનાસ નદી પર નવા પુલની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત જુનો પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત છે. જેના કારણે એક પુલ પર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વાહનોને વન વે કરવામાં આવ્યો છે. જેના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી હાઇવે ઓથોરિટી દ્વારા પુલ ઉપર વાહનો વન વે માટે પથ્થરો આડા કરવામાં આવ્યા છે.

જેના કારણે ગતરોજ આ પથ્થરો કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો ત્યારે બુધવારના બપોરે પુલ પર ભારે મશીનરી સાથે એક વાહન આવતા ફસાઈ જતાં ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. જેમાં કેટલાક વાહન ચાલકો ઉતાવળે રોંગ સાઈડે વાહનો ચલાવતા ટ્રાફિક સમસ્યા વધુ બનતા હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસને ટ્રાફિક હળવો કરતા નાકે દમ આવી ગયો હતો. પુલ ઉપર વાહન ચાલકો ઓવરટેક ના કરે તે માટે મૂકવામાં આવેલા પથ્થરો વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે. આ અગાઉ પણ એક કારચાલક પથ્થર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. (ફોટો ઃ નરસિંહ દેસાઈ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.