પાલનપુરની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો દરોડો, અહીં પેકિંગ કરી અન્ય રાજ્યમાં વેચાણ કરાતું હતું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરની એક પેઢીમાં ઘીમાં ભેળસેળ કરાતી હોવાની બાતમીના આધારે રાજ્યની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પાલનપુરની આ પેઢીમાં ઘીનું પેકીંગ કરી અન્ય રાજ્યમાં વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં પણ આ પેઢીમાંથી ભેળસેળવાળુ ઘી ઝડપાતા જે તે સમયે દંડનીય કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે.

ફૂડ વિભાગે 17 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કર્યું: રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીના આધારે પાલનપુરની ગજાનંદ માર્કેટમાં આવેલી મે. ધાન્વી એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડ્યો હતો. જેમાં પેઢીના માલિક હિતેશભાઇ ગોરધનભાઇ મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રીમીયમ બ્રાન્ડ ઘીનાં 6 નમૂના અને લૂઝ ઘીનો 1 એમ કૂલ 7 નમૂના લેવામાં આવેલ હતા. આ ઉપરાંત 2700 કિલોથી વધુ ઘીનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 17 લાખ થવા જાય છે તે સ્થળ ઉપર સીઝ કરવામાં આવેલ હતો.

સસ્તુ ઘી લાવી પેક કરી અન્ય રાજ્યમાં વેચાતું હતું: ફૂડ વિભાગના જણાવ્યા મુજબ પેઢીના માલિકીની વધુ તપાસ કરતા તેઓ બહારથી તૈયાર સસ્તું ઘી લાવી પેક કરીને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વેચતા હતા. ભૂતકાળમાં પણ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું તંત્ર દ્વારા મે. ધાન્વી એન્ટરપ્રાઈઝ પેઢીમાં અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવેલ અને તે સ્થળેથી નમૂના લઈ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. જે તમામ જથ્થો ભેળસેળયુક્ત જણાતાં ૩ એડ્જ્યુડીકેટીંગ કેસમાં કુલ રૂ. 21 લાખ દંડ કરવામાં આવેલ હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.